Gujarat

આજથી વિધાનસભાનું બજેટ સત્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું

By GS TEAM
15 Feb 20262 mins read
આજથી વિધાનસભાનું બજેટ સત્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું

દર વખતની જેમ આ વખતે પણ શહેરના પ્રવેશદ્વારો ઉપર સઘન વાહન ચેકિંગ

સત્યાગ્રહ છાવણીની સાથે સર્કલો ઉપર પોલીસ બંદોબસ્ત થરેલી ધરણા ઉપર તંત્રની ખાસ નજર રહેશે ઃ વિધાનસભા ગૃહમાં ગાંધીનગર પોલીસના જવાનો સાર્જન્ટની ભૂમિકામાં ફરજ બજાવશે

ગાંધીનગર :  આવતીકાલે સોમવાર ૧૬ ફેબુ્રઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાટનગરના પ્રવેશદ્વારો ઉપર સતત વાહન ચેકિંગની સાથે સત્યાગ્રહ છાવણી સહિત મુખ્ય સર્કલો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવાઇ છે. ખાસ કરીને રેલી ધરણા ઉપર તંત્રની ચાંપતી નજર રાખવામાં આવશે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલ સોમવારથી મળવાનું છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ગાંધીનગર પોલીસ દ્વારા સત્ર દરમિયાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર પોલીસ ઉપરાંત આસપાસના જિલ્લાઓના પોલીસ જવાનો તેમજ એસઆરપી જવાનોને ફરજ સોંપવામાં આવી છે. વિધાનસભા ગૃહની અંદર ગાંધીનગર પોલીસના જવાનો સાર્જન્ટની ભૂમિકામાં ફરજ બજાવશે તો સચિવાલય સંકુલમાં પણ સઘન સલામતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અહીં પ્રવેશ વગર કોઈને પણ મંજૂરી આપવામાં આવશે નહીં. સત્રને લઈ શહેરના પ્રવેશદ્વારો ઉપર પણ સઘન વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. ગાંધીનગરમાં સત્ર દરમિયાન સ્વૈચ્છિક સામાજિક સંગઠનોની સાથે સરકારી કર્મચારીઓ પણ પોતાની માંગણી લઈને ગાંધીનગરમાં રેલી ધરણા ના કરે તે માટે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવનાર છે. જે માટે સત્યાગ્રહ છાવણીની સાથે શહેરના મુખ્ય સર્કલો ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસ દ્વારા તૈયાર કરાયેલા બંદોબસ્ત પ્રમાણે ૬ ડીવાયએસપી, ૧૨ પોલીસ ઇન્સ્પેક્ટર,૩૫ સબ ઇન્સ્પેક્ટર તેમજ ૬૬૦થી વધુ જવાનોને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત એસઆરપીની પણ મદદ લેવામાં આવી છે એટલું જ નહીં ટ્રાફિક પોલીસને પણ ખાસ સુચના આપવામાં આવી છે.