Gujarat

મા અંબાના પ્રાગટયથી લઈ 51 શક્તિપીઠના ઈતિહાસ ભાવિકો લેશરથી નીહાળશે

By GS Team
5 Mar 20222 mins read
This article was originally published on 5 Mar 2022
મા અંબાના પ્રાગટયથી લઈ 51 શક્તિપીઠના ઈતિહાસ ભાવિકો લેશરથી નીહાળશે

પાલનપુર, તા.4

ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ અંબાજી આવતા ભક્તો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગબ્બર ગોખ પર હવે ૫૧ શક્તિપીઠનું મહત્વ તેમજ અંબાજી માં અંબાના પ્રાગટયથી લઈને તેમના ઇતિહાસની કહાની લેસર કિરણો દ્વારા ગબ્બર પર જોઈ શકાશે. જેમાં રાત્રી દરમિયાન લેસર કિરણોના મદદ દ્વારા માતાજીનો ઇતિહાસ ભક્તો નિહાળી શકશે. જેથી લેસર શો માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે લાખો ભક્તો મા અંબાના દર્શન કરવા માટે આવે છે જેમાં ભક્તો સાથે બાળકો અને તેમના સ્વજનો પણ આવતા હોય છે. ત્યારે અંબાજી મંદિરની સ્થાપના તેમજ ગબ્બર ગોખ સાથે જોડાયેલી માતાજીની અનેક ઐતિહાસિક ઘટનાઓને લેસર શો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે આ અંગે બનાસકાંઠા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ અંબાજીમાં પણ હવે ભક્તો માટે લેસર શો શરૃ કરવામાં આવશે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. જેમા અંદાજીત ૩૦૦ લોકો એકસાથે માં અંબાના પ્રાગટયથી લઇ ૫૧ શક્તિપીઠના મહત્વના ઇતિહાસ તેમજ તેની સાથે જોડાયેલી બાબતોથી અવગત બને તે માટે લેસર શો શરૃ કરવામાં આવશે. અંબાજી પર્વતનો સ્ટોન સપાટ હોવાથી આ પર્વત પર લેસર કિરણો દ્વારા ભક્તોનેમાં અંબાનો મહિમા તેમજ તેના ઈતિહાસને ફિલ્મ સ્વરૃપે રજૂ કરવામાં આવશે. માતાના ઈતિહાસની સાચી સમજ કેળવે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ હવે લેસર શો અંબાજીમાં પણ દેખાશે

વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલના જીવન પર આધારિત ફિલ્મ લેસર કિરણોની મદદથી રાત્રી દરમિયાન પ્રવાસીઓને દેખાડવામાં આવે છે તેવી જ રીતે અંબાજીના ગબ્બર પર્વત પર હવે માં અંબાની ફિલ્મ ભક્તો દેખી શકશે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ લેસર શો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.