નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ટિકિટ ચેકિંગ સ્ટાફે ૧,૦૫,૯૨૮ કેસ કર્યા
ભાવનગર મંડળના પાંચ કર્મચારીનું ડીઆરએમના હસ્તે સન્માન
ભાવનગર - ભાવનગર રેલવે મંડળના ટિકિટ ચેકિંગ સ્ટાફે ગત વર્ષ દરમિયાન રેલવેમાં મફતની મુસાફરી કરતા એક લાખથી વધુ લોકોને પકડયા હતા. જેમના થકી રેલવેને ૭.૧૫ કરોડની રેકોર્ડબ્રેક આવક થવા પામી છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ટ્રેનોમાં બિનટિકિટ અને અનિયમિત મુસાફરી કરતા મુસાફરો સામે ભાવનગર રેલવેના વરિષ્ઠ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ સઘન ચેકિંગ અભિયાન ચલાવાયું હતું. જેના પરિણામ સ્વરૃપ ગત નાણાંકીય વર્ષ દરમિયાન ૧,૦૫,૯૨૮ કેસોમાંથી ૭.૧૫ કરોડની આવક થઈ હતી. જે ૨૦૨૪-૨૫ના નાણાંકીય વર્ષના ૭૨,૬૫૭ કેસમાંથી પ્રાપ્ત થયેલ ૪.૮૧ કરોડની રકમની સરખામણીએ ૪૮.૮ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરી વ્યક્તિગત લક્ષ્યથી દંડની રકમ વધુ વસૂલ કરનાર પાંચ ટિકિટ ચેકીંગ સ્ટાફ એમ.ડી. મકવાણા (મુખ્ય વાણિજ્ય લિપિક-ગોંડલ), રાહુલ શર્મા (સીસીટીસી-વેરાવળ), પી.આર. ત્રિપાઠી (સીસીટીસી-બોટાદ), અશોક મુરાની (વાણિજ્ય અધિક્ષક-જૂનાગઢ) અને આર.એન. ગોહિલ (ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક-ભાવનગર)ને અધિકારીઓની ઉપસ્થિતિમાં ડીઆરએમ દિનેશ વર્માના હસ્તે પ્રમાણપત્ર અને રોકડ રકમ આપી સન્માનિત કરાયા હતા.


