સગર્ભા - ધાત્રી માતા અને બાળક માટે 1000 દિવસ સુધી મફત કરિયાણું અપાશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 4,976 કરોડની જોગવાઇ
આંગણવાડી કાર્યક્રમમાં બાળકોનાં પોષણ, પૂર્વ શિક્ષણ અને અન્ય સવલતો માટે 1,153 કરોડ ખર્ચવાનું આયોજન
ગાંધીનગર : રાજ્યના નાણામંત્રીએ મહિલા અને બાળવિકાસ વિભાગ માટે 4976 કરોડનું બજેટ ફાળવ્યું છે જે અનુસાર સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય તેમજ પોષણને સુદૃઢ કરવા સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તેમના આહારમાં અન્ન સાથે પ્રોટીન, ફેટ તેમજ માઇક્રો-ન્યુટ્રીએન્ટ પણ ઉપલબ્ધ થાય તે માટે આવતા પાંચ વર્ષમાં 4000 કરોડના ખર્ચે અમલી થનાર સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને 1000 દિવસ સુધી વિનામૂલ્યે એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક લીટર ખાદ્યતેલ દર મહિને આપવામાં આવશે. વિભાગની ફાળવણી આ પ્રમાણે છે.
* સગર્ભા અને ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવા આગામી વર્ષ માટે 811 કરોડ.
* આંગણવાડી કાર્યક્રમમાં બાળકોનાં પોષણ, પૂર્વ શિક્ષણ અને અન્ય સવલતો માટે 1153 કરોડ.
* 3 થી 6 વર્ષનાં બાળકોને ઘરે ઘરે સુખડીનું વિતરણ કરવા તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરૂ પાડવા 1059 કરોડ.
* ગંગા સ્વરૂપા બહેનોને મદદરૂપ થવા 917 કરોડ.
* 11 થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂરક પોષણ અને આરોગ્યલક્ષી શિક્ષણ આપતી પૂર્ણા યોજના માટે 365 કરોડ.
* આદિજાતિ વિસ્તારના 10 તાલુકાઓમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી પોષણ સુધા યોજના અમલમાં છે. આ યોજનાનો વ્યાપ વધારી આદિજાતિ વસ્તીનું બાહુલ્ય ધરાવતા 72 તાલુકામાં આ યોજના વિસ્તારવાની અને પ્રતિ વ્યકિત થતા ખર્ચમાં 50 ટકા જેટલા વધારા સાથે 118 કરોડની જોગવાઇ.
* વ્હાલી દીકરી યોજના અંતર્ગત 1 લાખ જેટલી દીકરીઓને જીવનના વિવિધ તબક્કે 1 લાખ સુધીની નાણાકીય સહાય આપવા એલઆઇસી પ્રીમિયમ પેટે 80 કરોડ.
* ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નંદઘર બાંધકામ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે 31 કરોડ.




