IPS-RBI ઓફિસર બની ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટી લીધા, અનેક કેસમાં ફસાવાની ધમકી આપી લાખો પડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Fraud: અમદાવાદમાં વૃદ્ધને ડરાવી-ધમકાવી આરબીઆઈ અધિકારી અને મુંબઈ ક્રાઇમ બ્રાંચના આઈપીએસ તરીકે ઓળખ આપનાર ઠગે દ્વારા 7.14 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે. નવરંગપુરામાં રહેતા 63 વર્ષીય દીલિપ શાહને વિવિધ વોટ્સએપ નંબરો પરથી વારંવાર કોલ કરીને તેમની સામે કરોડો રૂપિયાના કૌભાંડ અને ગંભીર ગુનાઓના ખોટા આરોપમાં ફસાવાની ધમકી આપી પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
વૃદ્ધ પર બીભત્સ વીડિયો અને મેસેજ મોકલવાના આરોપ લગાવાયા
મળતી માહિતી મુજબ, આ ઘટના 29 ઓક્ટોબર 2025થી શરૂ થઈ હતી. દીલિપ શાહને વોટ્સએપ નંબર પરથી કોલ આવ્યો અને પોતે જિયો કસ્ટમર કેરમાંથી બોલતો હોવાનું જણાવી તેમના મોબાઇલ નંબર પર બીભત્સ વીડિયો અને મેસેજ મોકલવાના આરોપ લગાવાયા. ત્યારબાદ કોલને ટ્રાઇ ઓફિસ સાથે જોડવામાં આવ્યો, જ્યાં મહિલા તરીકે વાત કરતા વ્યક્તિએ પણ સમાન આરોપો કરી વધુ ડરાવ્યા હતા. આ પછી શંકર પાટીલ નામ આપનાર વ્યક્તિએ પોલીસ યુનિફોર્મમાં વીડિયો કોલ કર્યો હતો અને પોતે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાંચનો હોવાનું જણાવી દીલિપ શાહ પર મની લોન્ડરિંગ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, દેશવિરોધી પ્રવૃત્તિઓ અને 126 કરોડ રૂપિયાના કૌભાંડમાં સંડોવણીના ખોટા આરોપ મૂક્યા હતા. ત્યારબાદ વીડિયોકોલમાં સીનિયર આઈપીએસ ઓફિસર તરીકે બીજો વ્યક્તિ દેખાયો, જેને ઓફિસની સેટિંગ અને વેશભૂષા જોઈ ફરીયાદી વિશ્વાસમાં આવી ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં કંપનીના કર્મચારીઓના નામે લાખોની લોનનું કૌભાંડ સામે આવ્યું, ત્રણ સામે ફરિયાદ
ઠગોએ કહ્યું હતુ કે, તેના આધારકાર્ડ પરથી હરીયાણા, પંજાબ, દિલ્હી, હૈદરાબાદમાં બેંક એકાઉન્ટ ખોલાવાયા છે અને તેમના નામે હોટેલ બુકિંગ થઈ છે. ત્યારબાદ પોતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો અધિકારી હોવાનું કહી સુરેશ અનુરાગ નામનો વ્યક્તિ વીડિયો કોલમાં જોડાયો અને ફંડ વેરિફિકેશનની જરૂર હોવાનું જણાવી દીલિપ શાહને પોતાની એફડી તોડાવી બેંક ખાતામાં રકમ જમા કરાવવા કહ્યું હતું. ઠગોએ ધમકી આપી કે કોઇને વાત ન કરવી, નહીં તો ધરપકડ થશે.
ડરી ગયેલા દીલિપ શાહે પોતાના બેંક ખાતામાંથી આરટીજીએસ અને યુપીઆઈ દ્વારા કુલ રૂપિયા 7,14,410 ટ્રાન્સફર કરી દીધા. આ દરમિયા વધુ 10 લાખની માગણી પણ કરવામાં આવી હતી, પરંતુ પૈસા ન હોવાને કારણે આપી શક્યા નહીં. આ પછી દિકરાના લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ દીલિપ શાહે પરિવારને વાત કરતા સમગ્ર ઘટના ખુલાસો થયો હતો. ત્યારબાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.









