બોગસ કંપની ઉભી કરી વડોદરાના વેપારી સાથે 15.41 લાખની છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાપીના સરનામે બોગસ કંપની ઉભી કરી વડોદરાના વેપારી સાથે 15.41 લાખની છેતરપિંડી કરનાર ઠગ સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આજવા વાઘોડિયા રિંગ રોડ પર બંસીધર ટાઉનશિપમાં રહેતા નિમેશભાઇ ઠાકોરભાઇ અધ્યારૃ દેવશ્રી એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું એસ.એસ. પાઇપ, એન્ગલ, સી.આર.સીટ્સનો વર્ષ -2019થી ઓનલાઇન અને ઓફલાઇન વેપાર કરું છું. ગત તા. 01-04-2023ના રોજ વિન્ટેક ઇન્ડસ્ટ્રિયલ ઇક્વિપમેન્ટ (ઠે.આસોપાલવ બિલ્ડિંગ, વાપી, વલસાડ) નામની કંપનીની ઓનલાઇન ઇન્કવાયરી આવતા મેં કંપનીનો સંપર્ક કરતા પિયૂષભાઇ અશોકભાઇ રાવલે મારી સાથે વાત કરી કંપની ખાતે મળવા બોલાવ્યો હતો. જેથી, હું વાપી જઇને કંપનીના ઓથોરાઇઝ્ડ પર્સન ભૂપેન્દ્રભાઇ અમૃતલાલ પંચાલને મળ્યો હતો. 15.41 લાખનો ઓર્ડર તેઓએ મને આપ્યો હતો. પેમેન્ટ ડિલિવરીના 30 દિવસ પછી આપવાનું નક્કી થયું હતું. ભૂપેન્દ્રભાઇએ મને ચેક આપ્યો હતો. તેઓએ આપેલો ચેક ત્રણ વખત રિટર્ન થયો હતો. ત્યારબાદ મેં ઉઘરાણી કરતા મને છ વખત બોલાવ્યો હતો. પરંતુ, પેમેન્ટ આપ્યું નહતું અને તેમણે તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. હું તેઓની ઓફિસે રૂબરૂ મળવા ગયો ત્યારે તેઓએ મને ગાળો બોલી ધમકી આપી હતી કે,તારા રૃપિયા નહીં આપુ. જો હવે રૂપિયા માંગીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ. કોર્ટ કે પોલીસ કેસ કરીશ તો તને કિડનેપ કરીને મારા માણસો તને બારોબાર પતાવી દેશે. મને જાણ થઇ હતી કે, ભૂપેન્દ્રભાઇએ ફ્રોડ કંપની ઉભી કરી હતી અને તેની સામે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયો હતો. જે કેસમાં તે પકડાઇ ગયો હોઇ હું હાલમાં ફરિયાદ કરવા આવ્યો છું.









