Gujarat

કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 45.54 લાખની છેતરપિંડી, બે શખ્સો સામે ફરિયાદ

By GS TEAM
26 Feb 20262 mins read
કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 45.54 લાખની છેતરપિંડી, બે શખ્સો સામે ફરિયાદ

વિઝા ન મળતા ભાંડો ફૂટયો, વિદ્યાનગર પોલીસે તપાસ તેજ કરી

વિદ્યાનગરની શ્રીજી ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સીના બે શખ્સોએ બનાવટી દસ્તાવેજો પધરાવી કૌભાંડ આચર્યું

આણંદ: વિદેશ જવાની ઘેલછામાં તારાપુરના યુવક અને તેના બે સંબંધીઓને વિદ્યાનગર ખાતે ઓફિસ ખોલીને વિઝાનું કામ કરતા બે શખ્સોએ કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે બનાવટી લેટરો બતાવી રૂપિયા ૪૫.૫૪ લાખનો ચૂનો ચોપડયો હતો. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

તારાપુર ખાતે રહેતા સંદીપકુમાર જગદીશભાઈ પારેખ તારાપુર ખાતે કરિયાણાની દુકાન ચલાવે છે. તેઓને અને તેમના સાળા વિજય વિનોદ ચંદ્ર પારેખ અને કૌટુંબિક ભત્રીજો પાર્થને કેનેડા વર્ક પરમિટ વિઝા ઉપર જવું હોવાથી તેઓએ વિવિધ એજન્સીઓનો  સંપર્ક કર્યો હતો. દરમિયાન જુલાઈ ૨૦૨૪માં વિદ્યાનગરના ડીમાર્ટની ઉપરના માળે આવેલી શ્રીજી ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સી નામની ઓફિસે તેઓ ગયા હતા. જ્યાં મૂળ અમદાવાદના અને હાલ વિદ્યાનગર ખાતે રહેતા પુનિયા ધરમવીર યશવીર અને હર્ષલ ચંદ્રકાંતભાઈ આચાર્યને તેઓ મળ્યા હતા. આ બંને શખ્સોએ તેઓને ઇન્ટરનેશનલ મોબિલિટી પ્રોગ્રામ દ્વારા કેનેડા મોકલી આપવાનું કહ્યું હતું અને તે પેટે માથાદીઠ ૨૦. ૫૦ લાખ રૂપિયા ખર્ચ થશે તેમ કહ્યું હતું. ત્યારબાદ વિઝા પ્રોસેસિંગ ફીના રૂ. ૫૪ હજાર અને વિઝા કરી આપવાના વ્યક્તિ દીઠ રૂ. ૧૫ લાખ નક્કી કરી તેઓને કામ સોંપ્યું હતું. 

બંને શખ્સોએ જરૂરી દસ્તાવેજો લીધા બાદ કેનેડાની એક કંપનીના નામના બનાવટી અને ખોટા લેટરો તેમજ એસેસમેન્ટ લેટર જેમાં મળવા પાત્ર પગાર સહિતની વિગતો દર્શાવેલો લેટર અને ગવર્મેન્ટ ઓફ કેનેડાના યુસીઆઈ નંબર વાળા એપ્લિકેશનના બનાવટી લેટરો આપ્યા હતા. જેથી સંદીપકુમાર પારેખ સહિતના ત્રણેયને વિશ્વાસ આવતા તેઓએ કુલ ૪૫.૫૪ લાખ ચૂકવ્યા હતા. જો કે ત્યારબાદ શ્રીજી ઇન્ટરનેશનલ ના બંને શખ્સોએે વિઝા અપાવ્યા નહોતા. દરમિયાન લેટરોની ખાતરી કરતા તે બનાવટી હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી સંદીપકુમાર જગદીશભાઈ પારેખે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પુનિયા ધરમવીર યશવીર અને હર્ષલ ચંદ્રકાંતભાઈ આચાર્ય વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.