Gujarat

માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં દુકાનો ચાલુ રાખી ભીડ થતા ચાર વેપારીની ધરપકડ

By GS Team
23 Jul 20202 mins read
This article was originally published on 23 Jul 2020
માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં દુકાનો ચાલુ રાખી ભીડ થતા ચાર વેપારીની ધરપકડ

સુરત, તા. 23 જુલાઈ, 2020, ગુરૃવાર

સુરતના પુણા માતૃશક્તિ સોસાયટી અને વેડરોડની ત્રિવેણી સોસાયટીના ક્લસ્ટર-માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં દુકાનો ચાલુ રાખી ગ્રાહકો ભેગા કરી સોશ્યલ ડીસ્ટન્સનો અમલ નહીં કરનાર ચાર વેપારીની પુણા અને ચોકબજાર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં કોરોનાનો કેર યથાવત છે અને તેને અંકુશમાં લાવવા મહાનગરપાલિકાએ સંક્રમણગ્રસ્ત વિસ્તારોને ક્લસ્ટર-માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કર્યાં છે. તેમ છતાં આવા વિસ્તારોમાં કેટલાક દુકાનદારો તેમની દુકાન-ઓફિસ ચાલુ રાખી ગ્રાહકો ભેગા કરી સોશ્યલ ડીસ્ટન્સનો અમલ કરતા ન હોય પોલીસ તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કટે છે. આજે સવારે પુણા પોલીસ ક્લસ્ટર વિસ્તાર માતૃશક્તિ સોસાયટીમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે 11 વાગ્યાથી 11.30 દરમિયાન ખોડીયાર ઓટો ગેરેજ, અનુપમ ગ્રાફીક્સ, ખુશી મોબાઈલની દુકાન ચાલુ હતી તેમજ ત્યાં ગ્રાહકો એકત્ર થયા હતા અને સોશ્યલ ડીસ્ટન્સનો અમલ થતો ન હતો. આથી પોલીસે તેમના માલિક રમેશભાઈ શંભુભાઈ પરમાર (ઉ.23. રણુજાધામ સોસાયટી, પુણા), ભવદીપ ભગવાનભાઇ બાબરીયા (ઉ.24. નંદનવન સોસાયટી, પુણા), મહેન્દ્ર નથાભાઈ ઠુંમર (ઉ.34. ગજાનંદ સોસાયટી, યોગીચોક, સરથાણા) વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ચોકબજાર પોલીસ આજે સવારે 10.45 કલાકે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વેડરોડ ત્રિવેણી સોસાયટીમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે મયુર જેન્ટસ હેર કટીંગ સલૂન ચાલુ હતું અને ત્યાં 4 થી 5 ગ્રાહકો હાજર હતા. ગ્રાહકો અને દુકાનદાર સોશ્યલ ડીસ્ટન્સનો અમલ કરતા ન હોય પોલીસ ત્યાં પહોંચી તો તમામ ગ્રાહકો ભાગી છૂટયા હતા. આથી પોલીસે દુકાનદાર જ્ઞાાનેશ્વર શ્યામરાવ એસી (ઉ.40. લક્ષ્મીનગર સોસાયટી, વેડરોડ) વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.