Gujarat

શ્વાન પર અત્યાચાર-હત્યાનો વિડીયો વાયરલ થયો હતો: રાંદેરમાં માંદા શ્વાનને ફાંસો આપી મારી નાંખવાના બનાવમાં ચાર સામે ગુનો નોંધાયો

By GS Team
14 Dec 20212 mins read
This article was originally published on 14 Dec 2021
શ્વાન પર અત્યાચાર-હત્યાનો વિડીયો વાયરલ થયો હતો: રાંદેરમાં માંદા શ્વાનને ફાંસો આપી મારી નાંખવાના બનાવમાં ચાર સામે ગુનો નોંધાયો




- પુષ્પધન રો-હાઉસ સોસાયટીના બે રહીશ, બે ભાડુતી શખ્સો સામે ગુનોઃ શ્વાન મારવા રહીશોએ પૈસા એકત્ર કરી માણસો બોલાવ્યા હતા

સુરત
ન્યુ રાંદેર રોડ સ્થિત સ્વામીનારાયણ સ્કૂલ નજીક પુષ્પધન રો હાઉસમાં ગર્ભવતી શ્વાનને બર્બરતા પૂર્વક દંડા વડે માર મારી જાહેરમાં ગળે ટૂંપો આપી મોતને ઘાત ઉતારવાના પ્રકરણમાં રાંદેર પોલીસે પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ સોસાયટીના બે રહીશ અને ભાડુતી માણસો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાંચેક દિવસ અગાઉ ન્યુ રાંદેર રોડ સ્થિત સ્વામીનારાયણ સ્કૂલ નજીક પુષ્પધન રો હાઉસનો એક વિડીયો સોશ્યિલ મિડીયામાં વાઇરલ થયો હતો. વિડીયોમાં સોસાયટીના કેટલાક રહીશો દ્વારા ભાડુતી માણસની મદદથી ગર્ભવતી કૂતરી પર અત્યાચાર ગુજારતા હોય તેવું નજરે પડી રહ્યું છે. કાર નીચે છુપાયેલા ગર્ભવતી શ્વાનને દંડા વડે બેરહમી પૂર્વક માર મારી બહાર કાઢે છે અને ત્યાર બાદ શ્વાનને દોડાવી દોડાવીને દંડા મારવામાં આવે છે. દંડા મારતા ઇજાગ્રસ્ત થયેલો શ્વાન દોડી નહીં શકતા તેને પ્લાસ્ટિકના પાઇપમાં દોરી વડે ફંદો બનાવી શ્વાનને ફાંસો આપ્યો હતો.


જયાં સુધી શ્વાનની હલનચલન બંધ થઇ ન હતી ત્યાં સુધી અત્યંત બર્બરતા પૂર્વક દંડા વડે માર પણ મારવામાં આવે છે. વાઇરલ વિડીયોને પગલે પ્રાણી પ્રેમીઓ ભારે રોષ જોવા મળ્યો હતો અને આ અંગે રાંદેર પોલીસમાં અરજી પણ કરવામાં આવી હતી. આ અરજીના આધારે પોલીસે પુષ્પધન રો હાઉસના રહેવાસી વિજય મોદી અને સુભાષ શાહ તથા અજાણ્યા બે ભાડુતી માણસો વિરૂધ્ધ પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સોસાયટીના અન્ય રહીશો પણ સમગ્ર ઘટનામાં સામેલ હોવાની શકયતા છે.