રૃપિયાની ઉઘાણીમાં મિત્રની તકરારમાં વચ્ચે પડતા
ઘાયલ યુવાનને સારવાર માટે સિવિલ ખસેડાયો પોલીસે ચાર સામે ગુનો દાખલ કરી તપાસ આદરી
આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દોલારાણા
વાસણા ગામમાં રહેતા સહદેવસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી
હતી કે ગઈકાલે સાંજે તે ગામની ભાગોળે હાજર હતો તે સમયે તેના મિત્રો કિશનસિંહ
મોહનસિંહ રાઠોડ, વિરેન્દ્રસિંહ
ઉર્ફે સન્ની અને ગોપાલસિંહ ગામની ભાગોળે આવેલી પાણીપુરીની લારી પર ગયા હતા. ત્યાં
ગામના જ વિશાલ દલાજી ઠાકોર અને વિપુલ રાયસંગજી ઠાકોર પણ હાજર હતા. જ્યાં કિશનસિંહે
અગાઉ વિશાલ ઠાકોરને ૫૦૦ ઉછીના આપ્યા હતા,
જે તેણે પરત માંગતા વિશાલે બોલાચાલી શરૃ કરી હતી. આ દરમિયાન વિપુલ ઠાકોરે પણ
વિશાલનું ઉપરાણું લઈને કિશનસિંહ સાથે ઝઘડો કરી બિભત્સ ગાળો બોલવાનું શરૃ કર્યું
હતું. ઝઘડો વધતા સહદેવસિંહ અને અન્ય મિત્રો કિશનસિંહને છોડાવવા વચ્ચે પડયા હતા. તે
સમયે સુરજ અજીતભાઇ ઠાકોર અને કરણ નટાજી ઠાકોર પણ ત્યાં આવી પહોંચ્યા હતા. વિશાલ
દલાજી ઠાકોર લોખંડની પાઇપ,
સુરજ ઠાકોર હાથમાં દાંતી અને કરણ ઠાકોર લાકડાનો ધોકો લઈને આવ્યા હતા અને તમામ
મિત્રોને માર મારવાનું શરૃ કર્યું હતું.
હુમલા દરમિયાન વિશાલે સહદેવસિંહના માથામાં લોખંડની પાઇપનો ફટકો માર્યો હતો, જ્યારે વિપુલે મોઢાના ભાગે લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત સુરજ અને કરણે કિશનસિંહ, ગોપાલસિંહ અને વિરેન્દ્રસિંહને ગડદાપાટુનો માર માર્યો હતો. બૂમાબૂમ થતા ગામના અન્ય વ્યક્તિઓ દોડી આવતા આ શખ્સો નાસી છૂટયા હતા. જ્યારે ઘાયલ સહદેવસિંહને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


