Gujarat

અમરોલીમા ફ્લેશ ફાયર થતા દંપતી સહિત પરિવારના ચાર સભ્યો દાઝયા

By GS Team
14 Feb 20221 min read
This article was originally published on 14 Feb 2022
અમરોલીમા ફ્લેશ ફાયર થતા દંપતી સહિત પરિવારના ચાર સભ્યો દાઝયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત સોમવાર

અમરોલીના હાઉસિંગ ખાતે આજે સવારે ગેસ લિકેજના લીધે ફ્લેશ ફાયર થતા દંપતી અને તેમના બે સંતાનો સહિત પરિવારના ચાર સભ્યો દાઝી ગયા હતા. જોકે દાઝી જવાથી ચારે સભ્યોની ચિચિયારીઓ સાંભળી સ્થાનિકો ભેગા થઈ ગયા હતા તેમજ ચારેયને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલી હાઉસિંગ ખાતે રિલાયન્સ નગરમાં રહેતા 40 વર્ષીય મનીષાબેન મનસુખભાઇ સોલંકી આજે સવારે ઘરમાં ટિફિન માટે રસોઈ બનાવવા કિચનમાં ગયા હતા. તે સમયે તેમની ગેસનો ચુલ્હો ચાલુ કરવા જતા ચાલુ થયો નહી. જેથી પતિ મનસુખભાઇ વાલજીભાઈ સોલંકી (ઉ.વ50)મદદ માટે આવ્યા હતા. દરમિયાન ત્યાં ગેસ લીકેજને લીધે ફ્લેશ ફાયર થવાની સાથે જોરદાર પ્રચંડ ધડાકો સાથે આગ લાગી હતી. જેથી આગની ઝપેટમાં દંપતી તેમજ તેમના પુત્રો જયદીપ (ઉ.વ20)અને પ્રકાશ (ઉ.વ.22) પણ દાઝી ગયા હતા. આ બનાવના લીધે સ્થાનિક લોકોમાં ભાગદોડ થઈ જવા પામી હતી અને પરિસ્થિતિને પણ કાબુમાં લેવામાં આવી હતી.

આગના લીધે દાઝી ગયેલા પરિવારના ચારે સભ્યોને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આગના લીધે પ્રચંડ ધડાકો થતા બારી, બારણા, ઘર વખરી સહિતની ચીજ-વસ્તુઓના નુકસાન થયું હોવાનું તેમના સંબંધીએ જણાવ્યું હતું.