Gujarat Forest Department: એક બાજુ, ગુજરાતમાં વન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી બાજુ, રોપાઓના ઉછેર અને જાળવણીને લઈને વન વિભાગની જ બેદરકારી સામે આવી છે. આ કારણોસર રોપાના અસ્તિત્વ દરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાજ્ય વન વિભાગની અનેક યોજનાઓમાં નિષ્ક્રિયતાને લીધે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ મળીને 1.20 કરોડ રૂપિયા રોપાઓ નાશ પામ્યા છે. જો આ રોપાઓના ઉછેરમાં ધ્યાન અપાયું હોય તો, લાખો રોપાઓનો બચાવ થઈ શક્યો હોત.
વનીકરણ જ શંકાના ઘેરામાં
છેલ્લા ત્રણ વર્ષમાં વૃક્ષારોપણ પાછળ લાખો કરોડોનો ધુમાડો કરાયો છે. 40 ટકા જેટલું વૃક્ષારોપણ નિષ્ફળ રહ્યું હોવાનું સામે આવ્યું છે. વનીકરણના નામે રોપાઓનું વાવેતર તો કરી દેવાય છે પણ તેની પુરતી માવજત કરવામાં આવતી નથી પરિણામે રોપા નાશ પામે છે અને ખર્ચ-મહેનત માથે પડે છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં પણ ગ્રીન કવર વધારવા માટે વૃક્ષારોપણ કરાય છે. શાળા-કોલેજોથી માંડીને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ દિશામાં કામ કરી રહ્યા છે.
રાજ્યના 21 જિલ્લામાં રોપાઓ નાશ પામ્યા
વિધાનસભામાં આ મુદ્દો ઉઠતાં સરકારે સ્વીકાર્યું કે, 21 જિલ્લામાં રોપાઓ નાશ પામ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ 12.70 લાખ, ભરૂચ જિલ્લામાં 12.57 લાખ, નર્મદા જિલ્લામાં 9.51 લાખ, પંચમહાલમાં 6.23 લાખ, દાહોદ જિલ્લામાં 6.48 લાખ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 7.51 લાખ રોપાઓ નાશ પામ્યા હતા. રોપાઓના વાવેતર પછી વન વિભાગે રોપાઓની કાળજી લીધી નહીં. એવી ચર્ચા છે કે, માત્ર કાગળ પર વૃક્ષારોપણ દેખાડી દેવાય છે અને ભ્રષ્ટ અધિકારીઓ બિલો પાસ કરી દે છે. સાથે સાથે જૂના સુકાઈ ગયેલા રોપાઓની જગ્યાએ રાતોરાત નવા રોપા રોપીને આંખમાં ધૂળ નાંખવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું, 2000 કરોડનો ફટકો, LPG માટે લાઈનો યથાવત્
ઉલ્લેખનીય છેકે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ પણ હાઈવે પરના વૃક્ષારોપણમાં થયેલી 'સંપૂર્ણ નિષ્ફળતા' અને ગેરરીતિઓ બદલ કડક પગલાં લેવા આદેશ આપ્યા છે. વન વિભાગની નિષ્ક્રિયતાને લઈને એવુ પણ નોંધવામાં આવ્યું છે કે વન વિભાગે ઈસરોના વૈજ્ઞાનિક અહેવાલો અને ભલામણોની પણ અવગણના કરી છે, જેના કારણે વન્યજીવ કોરિડોર અને પર્યાવરણીય સુધારણાના કામો પ્રભાવિત થયા છે.


