Gujarat

મહુધાના ફીણાવ ગામ પાસે રૂ. 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

By GS TEAM
25 Mar 20262 mins read
મહુધાના ફીણાવ ગામ પાસે રૂ. 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- પોલીસનો ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક કાર મૂકી ફરાર

- પોલીસે દારૂનો જથ્થો, કાર સહિતનો કુલ રૂપિયા 10.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો

નડિયાદ : ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરતી એક ગાડીને પકડવા ફિલ્મી ઢબે પીછો કર્યોે હતો. પોલીસને જોઈ ચાલકે ગાડી ભગાવતા અકસ્માત સર્જાયોે હતો અને અંતે ફીણાવ ગામના રાજન તળાવ પાસે ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ૫.૨૭ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ૧૦.૨૭ લાખનો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખેડા એલસીબીની ટીમ મહુધા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, કઠલાલ તરફથી એક ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ ભરીને નડિયાદ તરફ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ફીણાવ પાટિયા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ચાલકે પોલીસના વાહનની આડશ જોઈ ગાડી રોકવાને બદલે ભગાડી હતી. આ ખેંચતાણમાં ગાડીના કાચ પણ તૂટી ગયા હતા તેમ છતાં ચાલકે ફિલ્મી ઢબે ગાડી દોડાવી હતી. પોલીસે પીછો કરતા ચાલક ફીણાવ ગામના રાજન તળાવ પાસે ગાડી બિનવારસી હાલતમાં મૂકી ખેતરોમાં ગાયબ થઈ ગયો હતો. પોલીસે પંચોની હાજરીમાં ગાડીની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ અને બિયરના બોક્સ મળી આવ્યા હતા. આ જથ્થાની ગણતરી કરતા તેમાંથી કિંગફિશર બિયરના ૭૨૦ ટીન (કિં.રૂ. ૧,૫૮,૪૦૦) તથા વ્હિસ્કીના ૭૨૦ ક્વાર્ટર (કિં.રૂ.૨,૧૬,૦૦૦) મળી આવ્યા હતા. આ ઉપરાંત મેજિક મોમેન્ટ વોડકાના ૩૮૪ ક્વાર્ટર અને એન્ટિક્યુટી બ્લુ વ્હિસ્કીના ૮૪ ક્વાર્ટર પણ જપ્ત કરાયા હતા. પોલીસે ૫,૨૭,૪૦૦નો દારૂ અને ૫,૦૦,૦૦૦ની કિંમતની ગાડી મળી કુલ ૧૦,૨૭,૪૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે. આ અંગે પીએસઆઈએ અજાણ્યા ચાલક સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે