Gujarat

જાફરાબાદની જેટી પર બોટમાંથી ઉતરતો રૂા.22.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

By GS TEAM
10 May 20262 mins read
જાફરાબાદની જેટી પર બોટમાંથી ઉતરતો રૂા.22.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

- બોટ, છ વાહનો મળી રૂા.33.89 લાખનો મુદ્દામાલ કબજે

- દારૂની હેરાફેરી માટે હાઈ-વે જોખમી જણાતાં દરિયાઈ માર્ગે દારૂની ડિલીવરીનું કારસ્તાન

અમરેલી, રાજુલા: જાફરાબાદમાં દરિયાઈ માર્ગે થતી દારૂની હેરાફેરી પર સ્ટેટ મોનિટરિંગ સેલે લાલ આંખ કરી છે. જાફરાબાદ જેટી વિસ્તારમાં ત્રાટકેલી ટીમે મધરાત્રે બોટમાંથી દારૂ ઉતારતી ગેંગને ઝડપી પાડી કુલ ૩૩.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે ૪ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે બુટલેગર સહિત ૧૧ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. દારૂની હેરાફેરી માટે હાઈ-વે જોખમી જણાતા બુટલેગરોએ દરિયાઈ માર્ગે દારૂની ડિલીવરી કરવાની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો. 

૬૮૫૯ બોટલ વિદેશી દારૂ સાથે ચારની ધરપકડ, બુટલેગર સહિત ૧૧ શખ્સોને પકડવા ચક્રો ગતિમાન

મળતી વિગતો મુજબ, ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પી.આઈ. આર.કે. કરમટા અને તેમની ટીમને બાતમી મળી હતી કે જાફરાબાદ જેટી, સામાકાંઠા વિસ્તારમાં દરિયાઈ માર્ગે બોટ મારફતે વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. પોલીસને સ્થળ પરથી ૬,૮૫૯ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે ૨૨,૭૫,૪૮૦ થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલા ૬ વાહનો (કિંમત ૧૦ લાખ), ૭ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ૩૩,૮૯,૩૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલો દારૂ દમણ અને નાસિકની કંપનીઓ દ્વારા બનાવટનો હોવાનું ખુલ્યું હતું.

એસએમસીએ દારૂ મંગાવનાર પ્રકાશ બાબુ શિયાળ રહે.જાફરાબાદ, બોટનો ડ્રાઈવર રમેશ રણશીભાઈ મેર, મજુર કાલુલાલ કમલચંદ રાવત,વિજય ભુપતભાઈ બારૈયાને પકડી પાડી સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા.જ્યારે દમણથી માલ મોકલનાર અજાણ્યો શખ્સ, તમન્ના બોટનો માલિક ઈસ્માઈલ અબ્દુલ્લા પટેલિયા નવાબંદર અને જેટી પરથી નાસી છૂટેલા અન્ય અજાણ્યા શખ્સો સહિત કુલ ૧૫ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.