સેમ્પલનો રિપોર્ટ આવતા મહિનો લાગવાની સંભાવના
રેસ્ટોરન્ટના રસોડામાં સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી કરાઇ, રિપોર્ટ બાદ કાર્યવાહી થશે
નડિયાદ શહેરના સંતરામ રોડ પર સ્થિત જ્યોતિ દાલપુરી રેસ્ટોરન્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બુધવારના રોજ ફૂડ વિભાગને મળેલી એક ગંભીર ફરિયાદના પગલે અધિકારી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટના રસોડામાં સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ ત્યાં વપરાતા કાચા માલ અને તૈયાર વાનગીઓના વિવિધ સેમ્પલ લીધા હતા જેને સીલ કરી લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.આ કાર્યવાહીને પગલે શહેરના અન્ય હોટલ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, આ સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ આવતા અંદાજે એક માસ જેટલો સમય લાગી શકે છે. જો રિપોર્ટમાં ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે હાનિકારક જણાશે, તો રેસ્ટોરન્ટ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, સ્થાનિક નાગરિકોમાં એવી ચર્ચા છે કે તંત્ર માત્ર ફરિયાદ મળે ત્યારે જ જાગવાને બદલે નિયમિત આકસ્મિક તપાસ કરે તે જરૂરી છેે.


