Gujarat

ગુડાના પાંચ પ્લોટ ૧૯૦ કરોડ રૃપિયામાં વેચાયા

By GS Team
3 Jan 20253 mins read
This article was originally published on 3 Jan 2025
ગુડાના પાંચ પ્લોટ ૧૯૦ કરોડ રૃપિયામાં વેચાયા

ગાંધીનગર શહેરમાં ઓનલાઇન હરાજી પ્રક્રિયામાં બે પ્લોટ માટે કોઈ બિડરો આવ્યાં જ નહીં

તળિયાની કિંમત કરતા વેચાણમાં ૨૧.૮૦ કરોડ રૃપિયા વધુ આવ્યાં ઃ એક પ્લોટમાં ૪૮,૯૦૦નો વધુ ભાવ ભરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આવક ઉભી કરવા માટે પ્લોટના વેચાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે માટે કુલ ૭ પ્લોટ હરાજી માટે મૂકવામાં આવ્યા હતાં. આ પ્લોટની ઓનલાઇન હરાજી પ્રક્રિયા આજે સવારથી શરૃ કરવામાં આવી હતી. જોકે બે પ્લોટમાં કોઈ બીડરો આવ્યા ન હતા પરંતુ બાકીના પાંચ પ્લોટની હરાજી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને તેના થકી ગુડાને ૧૯૦.૧૯ કરોડ રૃપિયા મળશે.

ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ૭ના સરગાસણ વિસ્તારમાં વાણિજ્ય હેતુના ૨ અને રહેણાંક હેતુના ૩ મળીને ૫ પ્લોટ તથા ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ૬ના કુડાસણ વિસ્તારમાં વાણિજ્ય હેતુના ૨ પ્લોટ મળી કુલ ૭ પ્લોટની હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આજે સવારથી એન પ્રોક્યોર સોફ્ટવેર મારફતે હરાજી પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. જેમાં પ્રત્યેક પ્લોટ માટે એક કલાકનો સમય રાખવામાં આવ્યો હતો ત્યારે આ સાત પ્લોટ પૈકી બે પ્લોટ માટે કોઈ બીડરો દ્વારા ભાવ ભરવામાં નહીં આવતા તેની હરાજી થઈ શકી ન હતી અને સાંજ સુધીમાં આ પાંચ પ્લોટની હરાજી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં ગુડા દ્વારા તળિયાની કિંમત લેખે ૧૬૮.૩૯ કરોડ રૃપિયાની આવકનો અંદાજ રાખવામાં આવ્યો હતો પરંતુ આ પ્લોટોમાં તળિયાની કિંમત કરતા વધુ ભાવ ભરાયો હતો અને ૨૧.૮૦ કરોડ રૃપિયાની વધુ આવક સાથે આ તમામ પાંચ પ્લોટ કુલ ૧૯૦.૧૯ કરોડ રૃપિયામાં વેચાયા હતા. જેમાં સૌથી વધારે ટીપી ૭માં આવેલા ૧૨૯૯ સ્ક્વેર મીટરના ૧૭૬ નંબરના ફાઇનલ પ્લોટમાં ૧,૦૦,૫૦૦ રૃપિયા તળિયાની કિંમત નક્કી કરવામાં આવી હતી પરંતુ બીડરો દ્વારા ૪૮,૯૦૦નો વધારે ભાવ ભરી આ પ્લોટ પ્રતિ સ્ક્વેર મીટરના ૧,૪૯,૪૦૦ લેખે એટલે કે ૧૯.૪૦ કરોડ રૃપિયામાં ખરીદાયો છે. તો ટીપી-૭ નો ફાઇનલ પ્લોટ નં. ૧૯૧, ૫૧૭૦ ચોમી ક્ષેત્રફળ માટે તળીયાની કિંમત પ્રતિ ચોરસમીટર ૧.૨૦ લાખ નક્કી કરાઇ હતી, જેમાં ચોરસમીટર દીઠ વધારાના ૪૦૦ રૃપિયા મળ્યા છે. આ પ્લોટ કુલ ૬૨.૨૪ કરોડમાં વેચાયો છે. તો ટીપી-૭ના એફપી ૧૯૩ના ૩૭૫૭ ચોરસ મીટરનો પ્લોટ ૩૩.૧૩ કરોડમાં વેચાયો છે જ્યારે સ્મશાનની બાજુમાં આવેલો ટીપી-૭નો એફપી નં. ૧૮૮નો ૧૯૭૧ ચોરસમીટરનો પ્લોટ ૨૧.૮૩ કરોડ રૃપિયામાં વેચાયો છે.

ટીપી ૬માં સૌથી વધુ ૧.૬૬ લાખના ભાવે પ્લોટ વેચાયો

નવા વિસ્તારમાં ચોરસમીટરના ભાવે ગણીએ તો ગુડાનો સૌથી મોંઘો પ્લોટ ટીપી-૬નો એફપી નં. ૧૬૪ રૃ. ૧.૬૬ લાખના ભાવે વેચાયો છે. ૩૨૧૯ ચોરસમીટરનું ક્ષેત્રફળ ધરાવતા આ પ્લોટની તળીયાની કિંમત ૧.૨૦ લાખ પ્રતિ ચો.મી. નક્કી કરાઇ હતી. જેમાં રૃ. ૪૬,૪૦૦ વધારે મળ્યા છે. આ પ્લોટ માટે ૫૩.૫૬ કરોડ રૃપિયાની બોલી બોલાઇ હતી. આ પ્લોટમાં જ ગુડાને અંદાજ સામે ૧૪.૯૪ કરોડ વધારાના મળ્યા છે.