વડોદરાના શેરી ગરબામાં મારામારીની ઘટના : પાંચ ખેલૈયાઓની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : Vadodara Crime : વડોદરાના વીરભગતસિંહ ચોક ખાતે તાડફડીયા શેરી ગરબામાં ગરબા રમતી મહિલાનો હાથ અન્ય મહિલાને અડી જતા તકરાર બાદ મારામારી થતા લોકોમાં ઉત્તેજના છવાઈ હતી. જો કે, સ્થળ પર હાજર પોલીસે પરિસ્થિતિ સંભાળી હતી. અને બંને પક્ષની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે પાંચ ખેલૈયાઓની અટકાયત કરી હતી.
બરાનપુરા વિસ્તારમાં રહેતી વંશીકાબેન ચુનારાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મે મારા પતિ કાર્તિક ચુનારા તથા મારા નણદોઈ વીર ભગતસિંહ ચોક ખાતે તાડફળીયા શેરી ગરબામાં ગરબા રમી રહ્યા હતા. તે વખતે એક બહેનનો હાથ મને અડી જતા તેમને કહ્યું હતું કે, મને તમારો હાથ કેમ અડાડો છો, જેથી તેઓ અચાનક ઉશ્કેરાઈ જઈ મારા માથાના વાળ ખેંચી મને માર માર્યો હતો. અને તે મહિલા સાથે રહેલ બે વ્યક્તિઓએ મારા પતિ અને નણદોઈને ગડદાપાટુનો માર માર્યો હતો. સામા પક્ષે આજવા રોડ એકતાનગરમાં રહેતી દિવ્યા સોલંકીએ ફરિયાદમાં કહ્યું હતું કે, મે મારા પતિ સાગર પરમાર તથા મારા પતિના મિત્ર શિવ કહાર (રહે- કમલાનગર તળાવ પાસે)સાથે ગરબા રમી રહી હતી. મારો હાથ તે બહેનને અડી જતા મે કહ્યું હતું કે, ગરબા રમતી વખતે ભીડ હોવાથી હાથ તો અડે જ. જેથી ઝઘડો થયો હતો. આ દરમ્યાન તે મહિલા સાથેના બે વ્યક્તિઓએ મારા પતિ તથા તેમના મિત્રને ગડદાપાટુનો માર માર્યો હતો. બંને પક્ષની સામ સામે ફરિયાદના આધારે પોલીસે કાર્તિક ચુનારા , શીવ લુહાર, સાગર પરમાર , વંશીકાબેન ચુનારા અને દિવ્યાબેન સોલંકીની બીએનએસ 115 (2), 296, 352 ,54 ધારાઓ હેઠળ અટકાયત કરી હતી.









