વડોદરામાં નવાયાર્ડ રોડ પર ઓવરલોડ મીઠું ભરેલી પાંચ ગાડીઓ અટકાવી દેવાઈ

- ગાડીઓમાંથી રોડ પર મીઠું ઢોળાતા અવારનવાર અકસ્માતના બનાવો બને છે
- હજુ ત્રણ દિવસ પહેલા મીઠું ઢોળાતા ૨૦થી વધુ વાહનચાલકો સ્લીપ થયા હતા
વડોદરા, તા. 06
વડોદરામાં નવાયાર્ડ રોડ પર રેલવેના ગોડાઉનમાંથી મીઠાની ઓવરલોડેડ ગાડીઓ પસાર થતી રહે છે, અને આ ગાડીઓમાંથી રોડ ઉપર મીઠું ઢોળાતા અવારનવાર અકસ્માતો થાય છે. આજે આવી પાંચ ગાડીઓ વોર્ડ નંબર 1ના કોંગ્રેસના એક સિનિયર મહિલા કોર્પોરેટર સહિત કુલ ત્રણ કોર્પોરેટરોએ આગળ જતી અટકાવી દીધી હતી. ત્રણ ગાડીઓ નવાયાર્ડ ચીસ્તીયા નગર ની સામે અટકાવી દીધી હતી .જ્યારે બીજી બે ગાડી નીકળીને આગળ જતી હતી ,ત્યારે ગોરવા બ્રિજ પાસે રોકાવી દીધી હતી. ગાડીઓ રોકાવી દીધા બાદ કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે ગોડાઉનમાંથી ઓવરલોડ મીઠું ભરીને જે ગાડીઓ જાય છે તેના ઉપર તાડપત્રી બાંધવી જોઈએ. જેથી કરીને રોડ પર નમક ઢોળાય નહીં અને અકસ્માતના બનાવો પણ ન બને. ગાડી રોકાવી દીધા બાદ તેઓએ પોલીસને પણ જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવો બનાવ બનેલો હતો .જેથી રેલવે ટ્રાફિક પોલીસ શાખા સાથે સંકલન રાખી કાર્યવાહી કરવા અગાઉ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઇ હતી.

કોર્પોરેશનની સામાન્ય સભા અને સંકલન સમિતિની મિટિંગમાં પણ અવાર નવાર આ મુદ્દે ધ્યાન દોર્યું હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ૩ દિવસ પહેલા વડોદરામાં નવાયાર્ડ માં લોકમાન્ય ટિળક સ્કૂલ સામે મીઠું ભરેલી ઓવરલોડ ટ્રકમાંથી રોડ ઉપર મીઠું ઢોળાતા વરસાદી છાંટા પડતાં મીઠું ઓગળી ગયું હતું .જેથી રોડ ચીકાશવાળો થતાં ત્યાંથી પસાર થતાં ટુ વ્હીલર ચાલકો વાહન સ્લીપ થવાના કારણે પટકાયા હતા. લગભગ ૨૦થી વધુ વાહનચાલકોને પડી જવાના કારણે નાની મોટી ઇજા થઇ હતી.




