Gujarat

ફેશન ડિઝાઈનના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો ફાંસો ખાઈ આપઘાત

By GS TEAM
7 Oct 20252 mins read
ફેશન ડિઝાઈનના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો ફાંસો ખાઈ આપઘાત

ગાંધીનગરના રિલાયન્સ સર્કલ પાસે આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટમાં

મૂળ રાજસ્થાનની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૃમમાં જ અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના રિલાન્સ સર્કલ પાસે આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ડિઝાઇનમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મૂળ રાજસ્થાનની વિદ્યાર્થીનીએ તેની હોસ્ટેલના રૃમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા અકસ્માતે મોત દાખલ કરીને આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં હાલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે ત્યારે તેમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં આપઘાતનું પ્રમાણ પણ વધ્યું છે. આ સ્થિતિમાં ગાંધીનગરના રિલાયન્સ સર્કલ પાસે આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ડિઝાઈનના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો હોવાની વિગતો મળી રહી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનની હષતા ગોપી કિશન જાટ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન તે તેના રૃમમાં હતી ત્યારે સાથી વિદ્યાર્થીની દ્વારા તેને ફોન કરવામાં આવ્યો હતો પરંતુ તે ફોન રિસીવ કરતી ન હતી ત્યારબાદ તેના રૃમ ઉપર પહોંચીને દરવાજો ખખડાવ્યો હતો પરંતુ તેણી દ્વારા ખોલવામાં આવ્યો ન હતો. જેના પગલે અન્ય વિદ્યાર્થીનીઓ પણ એકઠી થઈ ગઈ હતી અને ત્યારબાદ આ અંગે હોસ્ટેલના વોર્ડનને જાણ કરવામાં આવી હતી તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને દરવાજો તોડીને જોતા હષતા પંખે લટકતી હાલતમાં મળી આવી હતી. જેથી આ સંદર્ભે ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ આ અંગે અકસ્માતે મોત દાખલ કરીને તેણીના આપઘાતનું સચોટ કારણ જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.