Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં વિકાસ કાર્યોના નામે પ્રજાના ટેક્સના નાણાંનો કેવા બેફામ બગાડ થઈ રહ્યો છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો રાંદેર ઝોનના પાલ વિસ્તારમાં સામે આવ્યો છે. કરોડો રૂપિયાના વિકાસનાં દાવા કરતી પાલિકા પોતાના જ વિભાગો વચ્ચે સામાન્ય સંકલન જાળવી શકતા નથી તે હકીકત ફરી એકવાર ખુલ્લી પડી છે. પાલ વિસ્તારમાં માત્ર 45 દિવસ પહેલાં પાંચેક લાખ રૂપિયાના ખર્ચે રોડનું રી-કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં તંત્રને યાદ આવ્યું કે અહીં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી બાકી છે. પરિણામે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો નવો રોડ જેસીબી વડે ખોદી નાખવામાં આવ્યો છે. વિકાસના નામે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ થોડા જ દિવસોમાં એ જ કામગીરી તોડી નાખવી એ માત્ર વહીવટી ભૂલ નહીં પરંતુ જાહેર નાણાં પ્રત્યેની ઘોર બેદરકારી હોવાથી જવાબદારી નક્કી કરવા માગણી થઈ રહી છે.
પાલિકાના રાંદેર ઝોનના પાલ વોકવે સામે આવેલી સ્તુતિ રેસીડેન્સીની ગલીમાં માત્ર 45 દિવસ પહેલાં અંદાજે પાંચ લાખ રૂપિયાના ખર્ચે રોડનું રી-કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું. આ રોડનો બરાબર ઉપયોગ થાય તે પહેલાં પાલિકાના અધિકારીઓને યાદ આવ્યું કે રોડ રી-કાર્પેટ થઈ ગયો છે પરંતુ ડ્રેનેજ કામગીરી બાકી રહી ગઈ છે. તેથી માત્ર 45 દિવસ પહેલા બનેલા રોડ પર બુલડોઝર આવી ગયું અને રોડ ડ્રેનેજ કામગીરી માટે રોડ ખોદાણ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારના લોકો 45 દિવસ પહેલા રોડ રી કાર્પેટ થયેલા રોડ પર બુલડોઝરથી ખોદાણ થતું જોઈ ચોંકી ગયાં છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો ડ્રેનેજની કામગીરી બાકી હતી તો રોડ બનાવતા પહેલાં જ તેનું આયોજન કેમ કરવામાં આવ્યું નહીં? એક તરફ પાલિકા વિકાસ કાર્યો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી હોવાના દાવા કરે છે, જ્યારે બીજી તરફ એક વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બીજો વિભાગ થોડા જ દિવસોમાં તોડી નાખે છે. આ પ્રકારની કાર્યપદ્ધતિ માત્ર વહીવટી અવ્યવસ્થાનું જ નહીં પરંતુ જાહેર નાણાં પ્રત્યેની ગંભીર બેદરકારી છે.
આ ઘટના માત્ર એક વિસ્તાર પૂરતી મર્યાદિત નથી. પાલિકા તંત્રમાં વિભાગો વચ્ચે સંકલનના અભાવના કારણે શહેરના અનેક વિસ્તારમાં રોડ, પાણી અને ડ્રેનેજ સંબંધિત કામમાં આવી સ્થિતિ વારંવાર સર્જાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પહેલા રોડ બનાવો, ત્યારબાદ તેને તોડી નાખવો અને પછી ફરીથી બનાવવા જેવી કાર્યપદ્ધતિને લઈને લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિક આગેવાઓએ માંગ કરી છે કે આ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવામાં આવે. રોડનું કામ મંજૂર કરતા પહેલાં ડ્રેનેજ વિભાગ સાથે સંકલન કેમ ન કરવામાં આવ્યું? પાંચ લાખ રૂપિયાના ખર્ચને વ્યર્થ બનાવનાર અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે? અને આ વધારાના ખર્ચની જવાબદારી કોણ લેશે? એટલું જ નહીં પરંતુ જવાબદારી નક્કી નહીં થાય તો પ્રજાના ટેક્સના નાણાં આમ જ બરબાદ થતા રહેશે તેવું સ્થાનિકોનું કહેવું છે.


