Gujarat
કોઠી નજીક સિટિ બસમાં આગ લાગતાં મુસાફરોનો બચાવ, ઊર્મી બ્રિજ પાસે ઇલેકટ્રિક સ્કૂટરમાં આગ
By GS TEAM
2 May 20261 min read

વડોદરાઃ ગરમી દરમિયાન શહેરમાં આગ લાગવાના જુદાજુદા ત્રણ બનાવ બન્યા હતા. જેમાં સિટિ બસના ૩૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ગરમીને કારણે આગ લાગવાના બનાવો સતત બની રહ્યા છે ત્યારે આજે બપોરે દોઢ વાગે સ્ટેશનથી તરસાલી તરફ જઇ રહેલી વિનાયક સિટિ બસના એન્જિનના ભાગે વાયરમાં સ્પાર્ક થયા બાદ ધુમાડા નીકળવા માંડયા હતા.
આ વખતે ડ્રાઇવર પાર્થ રાણાએ બસ સાઇડમાં ઉભી રાખી હતી અને તમામ પેસેન્જરોને ગભરાયા વગર ઉતરી જવા કહ્યું હતું.તેણે ફાયરના સાધનથી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.તમામ મુસાફરો ઉતરી ગયા ત્યાં સુધીમાં આગ કાબૂમાં આવી જતાં સૌના જીવ હેઠે બેઠા હતા.
આવી જ રીતે ઉર્મી બ્રિજ પાસે એક ઇલેકટ્રિક સ્કૂટરમાં સ્પાર્ક થયા બાદ આગ લાગતાં અફરાતફરી મચી હતી.જ્યારે, મકરપુરામાં બપોરે ગાયકવાડ ચાલી સામે ઘાસમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી.








