Gujarat

દિવાળીમાં ફાયર બ્રિગેડને કલાકોમાં જ 39 કોલ્સ મળ્યાઃતરસાલીમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ

By GS TEAM
21 Oct 20252 mins read
દિવાળીમાં ફાયર બ્રિગેડને કલાકોમાં જ 39 કોલ્સ મળ્યાઃતરસાલીમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ

વડોદરાઃ દિવાળી દરમિયાન આગ લાગવાના સતત  બનાવો બનતાં ફાયર બ્રિગેડની દોડધામ ચાલુ રહી હતી.દિવાળીને દિવસે ફાયર બ્રિગેડને આગના નાના મોટા  બનાવના કુલ ૩૯ કોલ્સ મળ્યા હતા.

તરસાલી વિસ્તારમાં ગાયત્રીનગર ખાતે દેવન સંસ્કાર સ્કૂલ પાછળ આવેલા ફરાસખાનાના ગોડાઉનમાં ગઇરાતે આગ લાગી હતી.આગને કારણે ધુમાડાના ગોટેગોટા છવાતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી.

આ ઉપરાંત સેવાસી ખાતે એક નવી  બની રહેલી બિલ્ડિંગના ગ્રીન કાપડમાં આગ લાગી હતી.જ્યારે,રત્મન હાઉસિંગ પાસે પણ એક મકાનમાં આગનો બનાવ બન્યો હતો. નિલામ્બર સર્કલ પાસે ફોર્ચ્યુન ઇમ્પિરીયા ખાતે એક મકાનમાં એસી ના આઉટડોરમાં આગનો  બનાવ બન્યો હતો.જ્યારે ગોત્રીમાં રોમા એપાર્ટમેન્ટમાં યશોદા જ્વેલર્સમાં સોનુ ગાળવાની ચીમનીને કારણે આગ લાગી હતી.જેમાં પણ એસીના યુનિટને નુકસાન થયું હતું.

આ ઉપરાંત મકરપુરા ડેપો પાસે સરસ્વતી ટાઉનશિપના એક મકાનની ટેરેસમાં તેમજ જુદાજુદા વિસ્તારોમાં કચરામાં, લાકડાંના સામાનમાં તેમજ સ્ક્રેપમાં આગ લાગવાના બનાવો બન્યા હતા.

પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરી એક વાર મુદ્દામાલની કારમાં આગ

શહેરના પોલીસ સ્ટેશનોમાં અગાઉ મુદ્દામાલના વાહનોમાં આગ લાગવાના પાંચ જેટલા  બનાવ બન્યા હતા.જેમાં જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.ગઇરાતે નવા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે કબજે લેવાયેલી એક કારમાં આગ લાગી હતી.જેથી પોલીસ સ્ટેશનના સ્ટાફે આગ બૂઝાવવા કામગીરી કરી હતી.જેને કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી.ત્યારબાદ ફાયર બ્રિગેડ આવી જતાં આગ સંપૂર્ણપણે કાબૂમાં લઇ લીધી હતી.