Gujarat

આણંદના ભૂમેલ બ્રિજ પાસે પાવાગઢથી બાવળા જતી લક્ઝરી બસમાં આગ, 56 મુસાફરોનો બચાવ

By GS TEAM
16 Oct 20252 mins read
આણંદના ભૂમેલ બ્રિજ પાસે પાવાગઢથી બાવળા જતી લક્ઝરી બસમાં આગ, 56 મુસાફરોનો બચાવ

- દર્શન કરી ઘરે જતા મધ્યરાતે બસમાં બૂમો પડતા તમામ મૂસાફરો સફાળા જાગ્યા

- ડ્રાઈવર અને ક્લીનરે બસને સાઈડમાં કરી મુસાફરોને દૂર ઉતારી દેતા મોટી જાનહાનિ ટળી, બસમાં ભોજનનો સામાન, ગેસનો બાટલો પણ હતો

આણંદ : ગુજરાતમાં રાજસ્થાનના જોધપુરવાળી થતા રહી ગઈ હતી. પાવાગઢથી દર્શન કરી બાવળા તરફ જતી લક્ઝરી બસમાં આણંદ પાસે ભૂમેલ બ્રિજ નજીક આગ ભભૂકી ઉઠી હતી. ડ્રાઈવર અને ક્લીનરે સમયસૂચકતા વાપરી બસમાં સવાર ૫૬ મુસાફરોને ત્વરિત ઉતારી દેતા તમામનો જીવ બચી જતા જાનહાનિ ટળી હતી. જોકે, બસ બળીને ખાક થઈ ગઈ હતી. 

ધોળકામાં શિવ લહેરી ટ્રાવેલ્સ ધરાવતી કંપનીના માલિક દિનેશભાઈ ઠાકોર દ્વારા બાવળા દેથલથી પાવાગઢ દર્શન માટે ખાસ પ્રવાસની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. બસમાં ૫૬ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા. આવવા જવાનું અંતર ૪૫૦ કિલોમીટર જેટલું થતું હોવાથી જમવાની નાસ્તાની વ્યવસ્થા પણ રખાઈ હોવાથી બસમાં ભોજનનો સામાન તથા ગેસનો બાટલો પણ રાખવામાં આવ્યો હતો. મંગળવારની મધ્યરાત્રિના ૧૨.૨૦ કલાકે આણંદ પાસે આવેલા ભૂમેલ બ્રિજ નજીક પાવાગઢ તરફથી આવતી લક્ઝરી બસમાં ડ્રાઈવરની કેબિનમાંથી ધૂમાડા નીકળતા શંકા જતા ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી કરી દીધી હતી. બસમાં ઊંઘી રહેલા તમામ મુસાફરોને ડ્રાઈવર અને ક્લીનરે ત્વરિત ઉતારી જાનહાનિ ના થાય માટે દૂર ઉભા રખાયા હતા. થોડી જ વારમાં લક્ઝરી બસ ભડભડ સળગી ઉઠી હતી. આગની ઘટનાથી રસ્તે જતા વાહન ચાલકો પણ ભયભિત થઈ ગયા હતા. કરમસદ આણંદ ફાયરબ્રિગેડની ગીમે આવી તાત્કાલિક આગ બુઝાવવામાં આી હતી. બસની કેબિનમાં શોર્ટસર્કિટ થવાથી આગળનો ભાગ બળીને ખાક થઈ ગયો હતો. ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો. બીજી બસની વ્યવસ્થા કરી મુસાફરોને સુરક્ષિત રવાના કરાયા હતા. પાવાગઢથી દર્શન કરીને બાવળા દેથલ પરત આવતા આ ઘટના સર્જાઈ હતી. આયોજક અને ટ્રાવેલ્સ કંપનીના માલિક દિનેશ ઠાકોરે વડતાલ પોલીસ મથકમાં આગની ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે.