Gujarat

ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા બે ડમ્પરના માલિક પાસેથી ૪.૯૩ લાખના દંડની વસૂલાત

By GS TEAM
1 Sep 20252 mins read
ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા બે ડમ્પરના માલિક પાસેથી ૪.૯૩ લાખના દંડની વસૂલાત

ગાંધીનગરના ઉવારસદ તથા માણસાના દેલવાડ ખાતેથી

સઘન રોડ ચેકિંગ કરી ભૂમાફિયા સામે કડક કાર્યવાહી કરવા કલેક્ટરની સુચના ઃ ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ

ગાંધીનગર :  ગાંધીનગર ભૂસ્તર તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજની હેરાફેરીને રોકવા માટે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન, બે ડમ્પર વાહનોને પકડી પાડવામાં આવ્યા છે જેમનો કુલ મુદ્દામાલ આશરે રૃપિયા ૬૦ લાખ જેટલો થાય છે. આ ઓપરેશનમાં કુલ રૃપિયા ૪.૯૩ લાખની દંડકીય વસૂલાત પણ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંઘની સૂચના પ્રમાણે ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ ખાતાની ક્ષેત્રિય ટીમે ચોવીસ કલાક રોડ ચેકિંગની કામગીરી ચાલુ રાખી હતી. આ દરમિયાન ટીમને ગેરકાયદેસર રીતે ખનિજનું પરિવહન કરી રહેલા વાહનો વિશે માહિતી મળી હતી.આ કાર્યવાહીમાં એક ડમ્પરને માણસા તાલુકાના દેલવાડ રોડ પરથી પકડવામાં આવ્યું હતું. આ વાહન પર રોયલ્ટી પાસ વગર ૩૮.૪૫ મેટ્રિક ટન સાદી રેતીનું ગેરકાયદેસર પરિવહન કરવામાં આવી રહ્યું હતું. જ્યારે અન્ય એક ડમ્પરને ગાંધીનગરના ઉવારસદ રોડ પરથી પકડવામાં આવ્યું હતું. આ વાહનમાં ૧૨.૮૭ મેટ્રિક ટન સાદી રેતી હતી જે રોયલ્ટી પાસમાં દર્શાવેલી મર્યાદા કરતાં વધુ હતી.આ બંને વાહનોને જપ્ત કરી લેવામાં આવ્યા છે અને તેની કિંમત અંદાજે રૃપિયા ૬૦ લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત, કાયદાનો ભંગ કરવા બદલ વાહન માલિકો પાસેથી કુલ રૃપિયા ૪.૯૩ લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. ગાંધીનગર ભૂસ્તર તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન અને પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.એટલુ જ નહીં, જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ ભુસ્તર તંત્રને સ્પષ્ટ સુચના આપી છે કે, આવા ગેરકાયદેસર કૃત્યો સામે ભવિષ્યમાં પણ કડક પગલાં લેવામાં આવે અને બિનધિકૃતરીતે ખનીજનું ખનન-વહન કે સંગ્રહ કરતા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરો.