Gujarat

અમિત ખૂંટની સ્યૂસાઈડ નોટનું પાંચમું પાનું મેચ થતું નથી : FSLનો રિપોર્ટ

By GS TEAM
1 Sep 20252 mins read
અમિત ખૂંટની સ્યૂસાઈડ નોટનું પાંચમું પાનું મેચ થતું નથી : FSLનો રિપોર્ટ

આખરે FSL રિપોર્ટનું સત્ય ઉજાગર થયું : ગુજરાતીમાં સહી મેચ થઈ, અંગ્રેજીમાં કરેલી સહી બાબતે પણ એફએસએલે કોઈ સ્પષ્ટ અભિપ્રાય ન આપ્યો

રાજકોટ, : રીબડાના ચર્ચાસ્પદ અમિત ખૂંટે આપઘાત પહેલાં લખેલી સ્યૂસાઈડ નોટમાં તેના જ અક્ષર છે કે કેમ તેની ખરાઈ માટે ગોંડલ તાલુકા પોલીસે સ્યૂસાઈડ નોટ એફએસએલમાં મોકલી આપી હતી, જેનો રિપોર્ટ આવી જતાં પોલીસે તેને કોર્ટમાં જમા કરાવી દીધો હતો. આ રિપોર્ટમાં શું છે તે વિશે પોલીસે કોઈ ખુલાસો કર્યો ન હતો.  આ સ્થિતિમાં એવી ચર્ચા હતી કે સ્યૂસાઈડ નોટના એક પાનાના અક્ષર મેચ થતા નથી. જેને હવે સમર્થન મળ્યું છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે સ્યૂસાઈડ નોટમાં કુલ સાત પાના છે. જેમાંથી પાંચમાં પાનાના અક્ષરો મેચ થતા નથી તેવો અભિપ્રાય એફએસએલે આપ્યો છે. સ્યૂસાઈડ નોટના બાકીના તમામ પાનાના અક્ષરો મેચ થાય છે. 

એવુ કહેવાય છે કે સ્યૂસાઈડ નોટમાં પાના નંબર લખેલા ન હતા. જેથી પોલીસે દરેક પાનાને માર્ક આપ્યા હતા. સ્યૂસાઈડ નોટના દરેક પાનામાં અમિત ખૂંટે અંગ્રેજી અને ગુજરાતીમાં સહી કરી હતી. જેમાંથી ગુજરાતીમાં કરેલી સહી મેચ થઈ ગઈ છે. અંગ્રેજીમાં કરેલી સહી મેચ કરવા માટે પોલીસે તેણે બેન્કમાં કરેલી સહીના નમૂના મેળવ્યા હતા.  જો કે તે નમૂનામાં અક્ષરો અવાચ્ય હતા. આ સ્થિતિમાં અંગ્રેજીમાં કરેલી સહી પણ મેચ થઈ નથી. આ જ કારણથી એફએસએલે આ બાબતે કોઈ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નથી. 

સ્યૂસાઈડ નોટના અક્ષરો મેચ કરવા માટે પોલીસે અમિત ખૂંટે હાથેથી લખેલી  કુદરતી લખાણવાળી ડાયરી તેના પરિવાર પાસેથી મેળવી હતી. જેની સાથે સ્યૂસાઈડ નોટના અક્ષરો મેચ કર્યા હતા. જેમાંથી આખી સ્યૂસાઈડ નોટ મેચ થઈ ગઈ છે. એક માત્ર પાંચમા પાનાના અક્ષરો મેચ નહીં થતાં પોલીસ પણ અવઢવમાં પડી ગઈ છે.  જો કે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા તેના પુત્ર રાજદિપસિંહ અને જૂનાગઢનો રહીમ મકરાણી આરોપી તરીકે હતા અને હજૂ પણ છે જ. 

ગઈ તા.૩ મેના રોજ રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકમા અમિત ખૂંટ વિરૂધ્ધ એક તરૂણીએ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ તેણે રીબડામાં આવેલી વાડીએ આત્મહત્યા કરી લીધી હતી. તે વખતે તેની પાસેથી કબજે થયેલી સ્યૂસાઈડ નોટમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહે હનિટ્રેપમાં ફસાવતા આ પગલુ ભર્યાનું લખ્યું હોવાથી પોલીસે આ બનેને આરોપી બનાવ્યા હતા. ત્યારથી બંને નાસતા ફરે છે.