Gujarat

ટ્રકની ટક્કરથી મહિલાનું મોત ટેન્કરની અડફેટે યુવક મોતને ભેટયો

By GS TEAM
23 Feb 20262 mins read
ટ્રકની ટક્કરથી મહિલાનું મોત  ટેન્કરની અડફેટે યુવક મોતને ભેટયો

અમદાવાદ, સોમવાર

માતેલા સાંઢની જેમ વાહન હંકારી અકસ્માત કરતા નિર્દોષ મહિલા અને યુવકે જીવ ગુમાવ્યો હતો. જેમોં વસ્ત્રાલમાં  ટ્રક ચાલકે ટક્કર મારતા મોપેડ ઉપર જઇ રહેલી મહિલાનું સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે અસલાલીથી નારોલ જવાના માર્ગ ઉપર રોડ ક્રોસ કરી રહેલા યુવકનુ ટેન્કરની ટક્કરથી મોત થયું હતું. ટ્રાફિક પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાલમાં મોપેડને ટ્રક ચાલકે ટક્કર મારતાં માથા કપાળ સહિત શરીરે ગંભીર ઇજાથી મહિલા મોતને ભેટી ઃ નારોલ પાસે રોડ ક્રોસ કરતા યુવકનું ટેન્કરની ટક્કરે મોત

 નિકોલ રિંગરોડ પાસે રહેતી મહિલા આજે બપોરના સમયે વસ્ત્રાલ ચાર રસ્તા પાસે હેલ્થ વન હોસ્પિટલ સામેથી એક્સેસ લઈને ઘર તરફ જતા હતા ત્યારે પૂરઝડપે આવેલી રહેલી ટ્રકના ચાલકે મહિલાના એકસેસને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. જેથી તેમને માથા કપાળ સહિત શરીરે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું  હતું.  આ બનાવ  અંગે ટ્રાફિક આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો. ધર્મવિજયરાજસિંહને પોલીસ કંટ્રોલથી મેસેજ મળ્યો હતો કે અસલાલીથી નારોલ આવતા દિપસિંહ ઢાબા સામે અકસ્માત થયો છે. જેથી પોલીસે ત્યાં જઇ તપાસ કરતા ૩૦ વર્ષની ઉંમરનો અજાણ્યો પુરુષ રોડ ક્રોસ કરતો હતો તે સમયે અસલાલી તરફથી આવતા ટેન્કર ટ્રકના ચાલકે ટક્કર મારતાં યુવક ફંગોળાઈને રોડ ઉપર પટકાતા મોત થયું હતું.