બાઇક સવાર પિતા પુત્રને ટેન્કર ચાલકે ટક્કર મારતા પુત્રનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગઇકાલે સાંજે ધંધાના સ્થળેથી ઘરે જતા પિતા - પુત્રની બાઇકને ટેન્કર ચાલકે ટક્કર મારતા પુત્રનું કરૃણ મોત થયું હતું.નંદેસરી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લાના વાસદ ગામના શાશ્વત સોસાયટીના મોહનલાલ ભીમજીભાઇ બાથાણી નું મૂળ વતન સાંકરદા ગામ છે. તેઓ ઉમેઠા ગામ બસ સ્ટેન્ડ પાસે મોક્સી ચોકડી ખાતે જલારામ વૂડ ઇન્ડસ્ટ્રીઝ બેન્સો ચલાવે છે. ગત ૩૧ મી તારીખે સાંજે ૭ વાગ્યે મોહનલાલ તથા તેમનો પુત્ર શાંતિલાલ બાઇક લઇને ઘરે વાસદ જવા નીકળ્યા હતા. નેશનલ હાઇવે - ૪૮ પર ધોળાકુવા પાસે એક ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા શાંતિલાલ ઉછળીને રોડ પર પટકાયો હતો. ટેન્કરના પૈડાં તેના માથા પર ફરી વળતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. ત્યારબાદ ટેન્કર ચાલક પોતાનું વાહન લઇને દિલ્હી - મુંબઇ એક્સપ્રેસ વે પર ભાગી ગયો હતો.
૧૮ દિવસ અગાઉ છાણી જી.એસ.એફ.સી. બ્રિજ પાસે છાયાપુરી બ્રિજ પર રોડ ક્રોસ કરતા અજાણ્યા શખ્સને રિક્ષાની અડફેટે ગંભીર ઇજાઓ થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિક્ષા ડ્રાઇવર ફિરોજ સુલતાનભાઇ વ્હોરા (રહે. ગોલ્ડન હાઇટ્સ, સનફાર્મા રોડ, તાંદલજા) લઇ ગયો હતો.સારવાર દરમિયાન તેનું મોત થયું છે. જોકે,હજી સુધી અજાણ્યા શખ્સની ઓળખ થઇ નથી. આ અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









