અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત

Rain In Amreli : હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શનિવારે (25 ઓક્ટોબર) મોડી સાંજથી અમરેલીના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં ખાંભા, ધારી, સાવરકુંડલા, રાજુલા, બગસરા પંથકમાં સહિતના સ્થળોએ માવઠું થયું છે.

બગસરામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા
અમરેલી જિલ્લના અનેક સ્થળોએ વરસાદ ખાબક્યો છે. જેમાં બગસરા શહેર અને કાગદડી, સમઢિયાળા, ઝાઝરીયા, હામાપુર સહિતના ગામોમાં માવઠું થયું છે. કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ, સોયાબીન, મગફળી સહિતના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ભારે નુકશાનની થઈ હોવાનું ખેડૂતોનું કહેવું છે.
રાજુલા પંથકમાં વરસાદ
અમરેલીના રાજુલા પંથકમાં કમોસમી વરસાદ થયો. જેમાં રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં રાજુલાના ડુંગર, છતડીયા, નવી-જુની માંડરડી સહિત ગામોમાં અને ખેરા, પટવા સહિત દરિયાકાંઠાના ગામોમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે.

જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથક સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે. જેમાં જાફરાબાદના ભાકોદર, લોઠપુર, લુણસાપુર, મીતયાળા સહિત ગામડાંઓમાં વરસાદ થયો છે. જ્યારે સાવરકુંડલાના થોરડી ગામમાં ધોધમાર વરસાદી ઝાપટું થયું છે. ખાંભા શહેરમાં ધોધમાર વરસાદના કારણે રોડ-રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત - સૌરાષ્ટ્રના 39 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 4 ઇંચ ખાબક્યો

