સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ

Unseasonal Rains In Saurashtra : હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શનિવારે (25 ઓક્ટોબર) અમરેલી, ગીર સોમનાથ, વલસાડ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે કમોસમી વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થતાં અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે.
અમરેલીના અનેક વિસ્તારોમાં માવઠું, ખેડૂતોમાં ચિંતા
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીના ઘારી અને ખાંભા પંથકમાં માવઠું થયું છે. ખાંભા શહેરમાં ઘીમીઘારે વરસાદ પડ્યો, તો ઘારીના ત્રંબકપુર અને ગોંવીદપુર ગામમાં હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાંભા તાલુકાના દિવાના સરાકડિયા, નાનુડી, દાઢીયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારો વરસાદ નોંધાયો છે, ત્યારે મગફળી, કપાસ, તુવેર સહિતના પાકને નુકસાની થઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

વેરાવળ શહેર-ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ
ગીર સોમનાથના વેરાવળમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો. વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સોમનાથ મહાદેવ પવિત્ર ધામ ખાતે મેઘગર્જના સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
આજે ક્યાં-કેટલો વરસાદ

દરિયાકાંઠાના પોર્ટ પર જોખમી સિગ્નલ જાહેર
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે, ત્યારે ઘોઘા અને ઓખા પોર્ટ પર નંબર-3, સલાયા પોર્ટ પર નંબર-1નું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ

26 ઓક્ટોબરની આગાહી
ઓરેન્જ ઍલર્ટ : બોટાદ, અમરેલી, ભાવનગર.
યલો ઍલર્ટ : અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર.

