અમરેલી: સરકારે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવી તેની સ્પષ્ટતા ન કરતાં ખેડૂતો મૂંઝવણમાં, તહેવાર ટાણે ઓછા ભાવે વેચવા મજબૂર

Amreli News : દિવાળીના તહેવારના લઈને અનેક ખેડૂતોએ મગફળનો પાક માર્કેટિંગ યાર્ડના ખુલ્લા બજારમાં રૂ. 600થી લઈને 1000 સુધીના ભાવે 30-40 ટકા મગફળીનું વેચાણ કરવું પડ્યું હતું. તેવામાં જ્યારે ખેડૂતોએ આશરે અડધા જેટલી મગફળી વેચી નાખી છે, ત્યારે હવે સરકારે આગામી 1 નવેમ્બર, 2025થી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે. જોકે, મગફળીનો કેટલો જથ્થો ટેકાના ભાવે ખરીદાશે તેને લઈને સરકારે કોઈ પ્રકારે સ્પષ્ટતા કરી નથી. જેને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતોની ટેકાના ભાવે મગફળી અંગે ખેડૂતોએ વસવસો વ્યક્ત કર્યો હતો અને સરકારની નીતિ વેપારીઓ લક્ષી હોવાનો આક્ષેપ કર્યો છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અમરેલી જિલ્લાના ગામડાઓમાં ખેડૂતોના મગફળીના પથારા પડ્યા છે, ત્યારે કમોસમી અને પાછોતરા વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. જેમાં અમરેલી જિલ્લામાં મોટાભાગે ખેડૂતોના મગફળી પલળી હતી. જ્યારે અમુક ખેડૂતો થ્રેશર દ્વારા મગફળીને ચોખ્ખી કરવા માટે પણ મજૂરો રાખીને કરેલી મહેનતની ઉપજ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે.

બીજી તરફ, સરકારે આગામી 1 નવેમ્બર, 2025થી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે, પણ કેટલી મગફળી ખરીદવાની તેની સ્પષ્ટતા પણ ન હોવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે ત્યારે પાછોતરા વરસાદ બાદ ખેડૂતોની વધુ વિકટ સ્થિતિ વચ્ચે ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવાની છે તે અવઢવ વચ્ચે અમરેલી જિલ્લાના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.
ટેકાના ભાવે ખરીદી માટે ગત 30 ઓગસ્ટના રોજ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ છતાં, સપ્ટેમ્બર મહિના પછી છેક હવે 1 નવેમ્બરથી સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે. આ દરમિયાન દિવાળીનો તહેવાર, બિયારણનો ખર્ચ, મજૂરી સહિતના પૈસા ચૂકવવા માટે ખેડૂતો મગફળીનો જથ્થો વેચવા મજબૂર બન્યા હતા. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં રૂ.1452 જેટલો ભાવ નક્કી કર્યો છે, તેમ છતાં 30-40 ટકા જેટલાં ખેડૂતોએ તો માત્ર 600 થી 1 હજાર સુધીના ભાવમાં મગફળી વેચવી પડી હતી. બીજી તરફ, ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદવાની છે તેને લઈને કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવતા અમરેલી સહિતના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.


