Gujarat

વઢવાણના ખેડૂતો પ્રથમ દિવસે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીથી વંચિત રહ્યાં

By GS TEAM
14 Feb 20261 min read
વઢવાણના ખેડૂતો પ્રથમ દિવસે ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીથી વંચિત રહ્યાં

- ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-ગ્રામ સુવિધાના અભાવથી હાલાકી

- બજાર કરતા ટેકાના ભાવ ઊંચા મળતા ખેડૂતોમાં નોંધણીનો આગ્રહ : ગ્રામ્ય સ્તરે નોંધણીની સુવિધા શરુ કરવા માંગ

સુરેન્દ્રનગર : સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે, વઢવાણ તાલુકાના ખેડૂતો માટે આ પ્રક્રિયા માથાના દુખાવા સમાન બની છે. સરકારના નિર્ણય મુજબ ઈ-સમૃદ્ધિ પોર્ટલ કે ઈ-ગ્રામ કેન્દ્ર (વીસીઇ) મારફતે નોંધણી કરાવવી ફરજિયાત છે, પરંતુ વઢવાણ તાલુકાના ગામોમાં ઈ-ગ્રામ મારફતે રજીસ્ટ્રેશનની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો પ્રથમ દિવસે નોંધણી કરાવી શક્યા નહોતા. 

આ અવ્યવસ્થાથી રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી અને ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ દોડી ગયા હતા અને તાત્કાલિક સુવિધા શરૂ કરવા માંગ કરી હતી.

ચાલુ વર્ષે સરકારે ચણા માટે પ્રતિ મણ રૂ.૧૧૭૫નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે, જ્યારે ઓપન માર્કેટમાં ખેડૂતોને માત્ર રૂ.૭૦૦થી રૂ.૮૦૦ જેવા નીચા ભાવ મળી રહ્યા છે. ભાવમાં આટલો મોટો તફાવત હોવાથી ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરવા ઉત્સુક છે. ખેડૂતોએ રજૂઆત કરી હતી કે જો ઈ-ગ્રામ પોર્ટલ પર નોંધણીની સુવિધા વહેલી તકે ગ્રામ્ય સ્તરે શરૂ કરવામાં નહીં આવે, તો અનેક ખેડૂતો આ સરકારી યોજનાના લાભથી વંચિત રહી જશે. ખેતીવાડી અધિકારીએ આ બાબતે યોગ્ય તપાસ કરી વહેલી તકે પોર્ટલ કાર્યરત કરવાની ખાતરી આપી છે.