Gujarat

દિવેલામાં એકર દીઠ ઉતારામાં 10 ટકાનો ફટકો પડવાની ખેડૂતોને ભીતિ

By GS Team
22 Feb 20222 mins read
This article was originally published on 22 Feb 2022
દિવેલામાં એકર દીઠ ઉતારામાં 10 ટકાનો ફટકો પડવાની ખેડૂતોને ભીતિ

વિજયનગર, તા. 21

વિજયનગર, સાબરકાંઠા,અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે એરંડા પાકમાં ઇયળ, કથીરી અને માવઠાંનો મારને લઈ  એકર દીઠ ઉતારામાં ૧૦ ટકા ઘટ પડવાની ખેડૂતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે.એટલું જ નહીં પણ  દિવેલાના પ્રારંભિક વાવેતરમાં પણ ૨૫ ટકાથી વધુ ઉછેર નબળો રહેતા એટલું વાવેતર નિષફળ નીવડયું હતું.

આ વર્ષે એરંડા વાવેતરમાં આ વખતનું ચોમાસું સાનુકૂળ નહોતું, વાવેતર સમયે વરસાદ નહીં, અને આવ્યા પછી સતત દોઢ મહિનો વરસાદે વિદાય લેવાનુંનામ ન લીધું. તેથી એરંડાના પ્રાથમિક ખેતી કાર્યોમાં વિઘ્ન આવ્યું હતું. જે એરંડો વવાયો એમાંથી ૨૫ થી ૩૦ ટકા પાક ફેઇલ ગયો છે. એરંડાના ઉતારામાં પણ વજન હળવો રહ્યો છે. એરંડામાં જે રીતે નબળા ખેતરો છે, તો કોઇ વિસ્તારના ખેતરોમાં એરંડો સારી સ્થિતિમાં પણ જોવા મળે છે. સારા ખેતરો સામે ૨૫ ટકા નબળા ખેતરો કુલ એરંડા ઉત્પાદનમાં ઘટ ઉભી કરી શકે છે. ખેડૂતો જણાવે છે કે આ વખતની એરંડા સિઝનમાં પહેલેથી કોઇને કોઇ હવામાન અને કિટકોએ ડખ્ખો કર્યો છે  શરૂની બે કાપણીનો એરંડો અનભરતી (૭૫ કિલોથી ઓછો વજન) રહી છે. વચ્ચેની કાપણીનો માલ સારો નીકળશે, જ્યારે છેલ્લી કાપણીનો વજન પણ અનભરતી નીકળશે. એરંડાના પાકમાં થળ, કથીરી અને માવઠાંનો  આવ-જાનો હિસાબ માંડીએ તો એકર મુજબના ઉત્તારામાં ૧૦ ટકા ઘટ ચોક્કસ ગણી લેવાની રહેશે.

હાલના સમયે એરંડા બજારો પ્રતિ ૨૦ કિલો રૂ.૧૩૦૦ની સપાટીએ ચડ-ઉત્તર થઇ રહી છે, ત્યારે ખેડૂતોએ જરૂરિયાત મુજબ ટુકડે ટુકડે માલ વેચતો રહેવો, એ સરવાળે ફાયદેમંદ રહેશે એમ જાણકારો જણાવે છે.બાકી ચાલુ વર્ષે એરંડાના ઉતારામાં ફટકો પડવાનો જ છે એ નક્કી જ એમ દિવેલા પકવતા ખેડૂતો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં ૨૧૩૦૦ હેકટરમાં અને અરવલ્લી જિલ્લામાં ૧૩૬૫૨  હેકટર મળી બન્ને જિલ્લામાં ૩૪૯૫૨ હેકટરમાં  એરંડાનું વાવેતર કરવામા આવેલું છે.