આપઘાત પહેલાં ખેડૂતે પોતાના મોબાઈલમાં રડતાં-રડતાં વીડિયો રેકોર્ડ કર્યો
પોતાના ઘરે ટીકડા ખાઇ લીધા, મરવા મજબૂર કરવા બદલ કૌટુંબિક ભાઇઓ સહિત 4 સામે પોલીસ ફરિયાદ
ગોંડલ, સુલતાનપુર: ગોંડલના ધુડશીયા ગામે ખેતરના પાડોશીઓ એવા કૌટુંબિક ભાઈઓના અસહ્ય માનસિક ત્રાસ, ધાક-ધમકીઓ અને હેરાનગતિથી કંટાળીને ખેડૂતે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત કરતા પહેલાં ખેડૂતે પોતાના મોબાઈલમાં એક હૃદયદ્રાવક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેમણે પોતાની આપવીતી અને આરોપીઓના નામજોગ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
બનાવ અંગે મૃતકના ભાઇ લાલજીભાઈ ભુવાએ સુલતાનપુર પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યુ કે ધુડશીયા ગામે રહેતા મહેન્દ્રભાઈ વલ્લભભાઇ ભુવાની ખેતીની જમીનમાંથી પાણીનો નિકાલ તેમના શેઢા પાડોશીઓ એવા કૌટુબિક ભાઇઓ સુરેશભાઈ ભુવા અને તેના ભાઇ હરેશભાઈની ખેતીની જમીનમાં થતો હોવાથી સુરેશભાઈ તેનાં પિતા સહિતના લોકો મહેન્દ્રભાઈને અવારનવાર ધમકીઓ આપી કહેતા કે, અમારા ખેતરમાં પાણીનો નિકાલ કરતો નહી, નહીંતર ટાટિયા ભાંગી નાખીશું અને ખેતરમાં આવવા જેવો નહી રહેવા દઇએ. આથી મહેન્દ્રભાઈ પોતાનાં ખેતરે આવતા પણ ડરતા હતાં. દોઢ બે મહિના પહેલા આ લોકોએ પાણીના નિકાલના સ્થળ પર માટી નાખી તેને બુરી દીધો હતો. આ અંગે મહેન્દ્રભાઈએ ગોંડલ મામલતદારમાં અરજી પણ કરી હતી. ત્યારબાદ ધાક -ધમકી અને માનસિક ત્રાસ વધી ગયો હતો.
ગઇકાલે લાલજીભાઈ તેમની વાડીએ હતા, ત્યારે મહેન્દ્રભાઇની દીકરીનો તેમને ફોન આવ્યો હતો કે, મારા પપ્પાએ ઘરે ઝેરી ટીકડા ખાઇ લીધા છે. તેથી તેઓ તથા તેમના કાકાના દીકરા અને અન્યો મહેન્દ્રભાઇને ગોંડલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. ત્યાં તેમણે મહેન્દ્રભાઇને દવા પીવા બાબતે પૂછતા તેમણે આ ચારેયના ત્રાસથી કંટાળીને દવા ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જતી વખતે તેમણે રસ્તામાં અમ્બ્યુલન્સમાં દમ તોડી દીધો હતા. મૃતક મહેન્દ્રભાઈને સંતાનમાં ૨૦ વર્ષિય દીકરી તથા ૧૮ વર્ષનો દીકરો છે. બનાવના પગલે ખેડૂતનો પરિવાર હતપ્રભ બની ગયો છે. ફરિયાદના આધારે પોલીસે ખેડૂતને ત્રાસ આપી મરવા મજબૂર કરવા બદલ આરોપીઓ સુરેશભાઇ ઉર્ફે બાલાભાઇ કાનજીભાઇ ભુવા, હરેશભાઇ કાનજીભાઇ ભુવા, કાનજીભાઇ માધાભાઇ ભુવા, સાગરભાઇ સુરેશભાઇ ભુવા સામે ગુનો દાખલ કર્યો છે. સુલતાનપુર પોલીસ સ્ટેશનનાં પીઆઇ ખાતરે વધુ તપાસ હાથ ધરી છે.
- વીડિયોમાં આરોપીઓના નામજોગ ઉલ્લેખ
મૃતક મહેન્દ્રભાઇએ વીડિયોમાં પોતાના કૌટુંબિક ભાઈઓ અને શેઢા પાડોશીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે મુખ્ય આરોપીઓ તરીકે કાના માધા ભુવા, હરેશ કાનજી ભુવા, બાલા કાના ભુવા, સાગર બાલા ભુવા, એક અન્ય વૃદ્ધ વ્યક્તિનાં નામ આપ્યા છે.
- મારો દીકરો ભોળો છે, તેને ખેતી ન કરાવતા..
છેલ્લા ઘણા સમયથી ભારે માનસિક તણાવમાં રહેતા મહેન્દ્રભાઈએ આપઘાત કરતા પહેલાં પોતાના મોબાઇલમાં બનાવેલા વીડિયોમાં 'મારો દીકરો ભોળો છે, તેને ખેતી ન કરાવતા...તેમજ મારું બલિદાન એળે ન જવા દેતા...'તેવા શબ્દો રડતાં-રડતાં ઉચ્ચાર્યા હતા.


