Jamnagar : જોડીયા નજીક વાડી વિસ્તારમાં જમીન સંબંધિત મામલે થયેલા વિવાદમાં એક વૃદ્ધ ખેડૂત પર કુહાડી અને લાકડી વડે હુમલો કરવામાં આવતા ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત ખેડૂતને માથામાં ગંભીર ઇજા થતાં તેમની સર્જરી કરવી પડી હોવાનું જાણવા મળ્યું છે.
ફરિયાદ મુજબ જોડીયાના લક્ષ્મીપરા સ્થિત સરદાર સોસાયટીમાં રહેતા અને ખેતીકામ સાથે સંકળાયેલા નરભેરામભાઈ પ્રેમજીભાઈ ભીમાણી પોતાની પત્ની ચંદ્રિકાબેન સાથે વાડીમાં ખેતીકામ કરી રહ્યા હતા. દરમિયાન ચા પીવા માટે તેઓ વાડીના ઓરડા પાસે ગયા હતા. તે સમયે નજીકની વાડીમાં ખેતી કરતા નિલેશભાઈ હંસરાજભાઈ કુંડારિયા અને તેમની પત્ની સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.
ફરિયાદી ચંદ્રિકાબેનના જણાવ્યા મુજબ રાડારાડીના અવાજ સાંભળી તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે નિલેશભાઈના હાથમાં કુહાડી અને તેમની પત્નીના હાથમાં લાકડી હતી, જ્યારે તેમના પતિ જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. હુમલામાં નરભેરામભાઈને માથાના ભાગે, ડાબા પગમાં તથા જમણા હાથના બાવડાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બનાવ બાદ પરિવારજનો અને સગાસંબંધીઓએ ઇજાગ્રસ્તને પ્રથમ જોડીયા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તબીબો દ્વારા સીટીસ્કેન સહિતની તપાસ બાદ માથાની સર્જરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ ઇજાગ્રસ્તની સારવાર ચાલુ છે અને તેઓ બેભાન અવસ્થામાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ હુમલા બાદ આરોપીએ નાળિયેરીના પાંદડાંને લઈને વિવાદ થયો હોવાનું જણાવતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી નિલેશભાઈ હંસરાજભાઈ કુંડારિયા તથા તેમની પત્ની સામે મારામારી, ધમકી અને જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


