Gujarat

રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા

By GS Team
6 Feb 20222 mins read
This article was originally published on 6 Feb 2022
રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની હત્યા

- અડાજણ પાટિયા ખાતે રહેતા કાકાનો લીફ્ટમાં ઝઘડો થતા પડોશીએ ફેંટ મારી હતી

- નાકની નસકોરી ફૂટી જતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાઃ વહેલી સવારે સારવાર દરમિયાન મોત થતા પોલીસ દોડતી થઈ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર

ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં મારામારી થતા થયેલી ઇજાના કારણે મોત થતા ખળભળાટ મચી ગયો છે. અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા કૌટુંબિક કાકા લીફ્ટમાં પડોશી બોની કમલેશ મહેતા સાથે ઝઘડો થતા મોંઢા પર ફેંટ મારી દેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

સુરત શહેરના અડાજણ પાટીયા સ્થિત રત્નપ્રભા એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ શાંતિલાલ સંઘવી (ઉ.વ. 63) ગત રાત્રે રહેણાંક એપાર્ટમેન્ટની લીફ્ટમાં જઇ રહ્યા હતા. તેમની સાથે લીફ્ટમાં પડોશી બોની કમલેશ મહેતા પણ હતા અને તેમની સાથે સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. જેમાં પડોશી બોની કમલેશ મહેતા વૃધ્ધ મહેશભાઇને મોંઢા પર ફેંટ મારી દેતા નાકની નસકોરી ફૂટી જતા તેમને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન વહેલી સવારે 4 વાગ્યા બાદ તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે રાંદેર પીઆઇ પી.એલ. ચૌધરી, એસીબી ઝેડ.આર. દેસાઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. રાંદેર પીઆઇ પી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે મૃતક મહેશ શાંતિલાલ સંઘવી રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા છે. ગૃહમંત્રીના કૌટુંબિક કાકાની હત્યાને પગલે ખળભળાટ મચી ગયો છે.