Gujarat

આણંદના સારસા ગામમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો

By GS TEAM
23 Mar 20261 min read
આણંદના સારસા ગામમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો

- માત્ર અનુમાનના આધારે સારવાર કરતો હતો

- પોલીસે ડૉક્ટરની પ્રેક્ટિસ માટેના સાધનો, દવાઓ સહિત 47401 ની મત્તા જપ્ત કરીને ગુનો નોંધ્યો

આણંદ : આણંદ જિલ્લામાં જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ડિગ્રી વગરના ડૉક્ટરો વિરુદ્ધ લાલ આંખ કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચેે સારસા ગામમાં દરોડો પાડી એક નકલી ડૉક્ટરને ઝડપી પાડયો છે. આ શખ્સ છેલ્લા ૬ વર્ષથી કોઈ પણ માન્ય ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો હતો.

આણંદ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, સારસા ગામમાં પાટીદાર ધર્મશાળા પાસે 'જય મા ક્લીનીક' નામનું દવાખાનું ચલાવતો શખ્સ બોગસ ડોક્ટર છે. આ બાતમીના આધારે, વહેરાખડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીને સાથે રાખીને પોલીસે દરોડો પાડયો હતો. ત્યારે બાતમી મળેલા સ્થળેથી નકલી ડૉક્ટર બિનોય બીસ્વનાથ બિસ્વાસ (ઉં.વ. ૩૪, રહે. સારસા પાટીદાર ધર્મશાળા નજીક, તા.જિ. આણંદ, મૂળ રહે. જોયપુર પશ્ચિમ પાડા, તા. રાણાઘાટ, જી. નોડીયા, પશ્ચિમ બંગાળ) ઝડપાયો હતો. તપાસ દરમિયાન જ્યારે તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર માંગવામાં આવ્યું, ત્યારે તેની પાસે આવું કોઈ જ પ્રમાણપત્ર ન હોવાનું સામે આવ્યું હતું. ક્લિનિકમાંથી પ્રેક્ટિસ માટેના સાધન-સામગ્રી અને દવાઓ સહિત રૂપિયા ૪૭,૪૦૧નો મુદ્દામાલ જપ્ત કરી ખંબોળજ પોલીસ સ્ટેશમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.