વડોદરા, તા.24 વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામ પાસે ભાડાના એક મકાનમાં રૃા.૫૦૦ અને ૨૦૦ની ચલણી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયા બાદ પોલીસે ઝડપાયેલા બંને પરપ્રાંતિયોને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ આસોજ ગામની સીમમાં જયેશ મનુભાઇ પટેલના મકાનના પ્રથમ માળ પર ભાડાની એક રૃમમાં નકલી નોટો છાપીને તેને બજારમાં ફરતી કરવામાં આવે છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીની ટીમે ગઇ સાંજે દરોડો પાડયો હતો. મકાનમાં તપાસ કરતા બે શખ્સો નરેન્દ્ર જંગલાલ પાલ (મૂળ રહે.ઉત્તર પ્રદેશ) અને હેમંત મદનલાલ જાગીડ (મૂળ રહે. મહારાષ્ટ્ર) મળ્યા હતાં.
પોલીસે રૃમમાંથી નકલી નોટો છાપવાનું કલર પ્રિન્ટર, બે લેપટોપ, ત્રણ મોબાઇલ, ખાસ પ્રકારના કાગળ, રૃા.૫૦૦ના દરની ૧૪ અને રૃા.૨૦૦ના દરની ૨ નકલી નોટો સહિત કુલ રૃા.૫૨૬૮૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.
પોલીસે જણાવ્યું હતું કે બંને શખ્સો ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને નકલી નોટો છાપતા હતા તેઓ નકલી નોટો રવિવારે મંજુસરમાં ભરાતા માર્કેટમાં વટાવતા હતાં. છેલ્લા દોઢ મહિનાથી નકલી ચલણી નોટો છાપવાનું શરૃ કર્યુ હતું. કેટલી નોટો બજારમાં ફરતી કરી તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


