Gujarat

ઇન્ટર્નલ પરીક્ષામાં નાપાસ થતા ધો.૧૧ ના વિદ્યાર્થીએ ઘર છોડયું

By GS Team
12 Dec 20211 min read
This article was originally published on 12 Dec 2021
ઇન્ટર્નલ પરીક્ષામાં નાપાસ થતા ધો.૧૧ ના વિદ્યાર્થીએ ઘર છોડયું

વડોદરા,ધો.૧૧ સાયન્સમાં ભણતો વિદ્યાર્થી ઇન્ટરનલ પરીક્ષામાં નાપાસ થતા ઘર છોડીને જતો રહ્યો હતો.વલસાડ સુધી પહોંચ્યા પછી તેણે ભાન આવતા  તે  પરત ઘરે ગયો હતો.

શહેરના વાઘોડિયારોડ પર  રહેતો અને ધો.૧૧ સાયન્સમાં ભણતો વિદ્યાર્થી ઇન્ટર્નલ પરીક્ષામાં નાપાસ થયો હતો.જેથી,પરિવારજનો ઠપકો આપશે તેવા ડરથી તે ઘરેથી કોઇને કશું કહ્યા વિના જતો રહ્યો હતો.વૃંદાવન ચોકડી સુધી ચાલતા  ગયા  પછી તે રિક્ષામાં બેસીને વડોદરા રેલવે  સ્ટેશન ગયો હતો.અને ત્યાંથી ટ્રેનમાં બેસીને તે નવસારી અને વલસાડ સુધી પહોંચી ગયો હતો.આ તરફ પરિવારને જાણ થતા તેમણે પાણીગેટ પોલીસની મદદ લીધી હતી.પાણીગેટ પી.આઇ.કે.પી.પરમારે વાઘોડિયારોડના સીસીટીવી ફૂટેજ ચેક કરતા વિદ્યાર્થી રેલવે સ્ટેશન સુધી ગયો હોવાની જાણ થઇ હતી.પોલીસે મુંબઇ તરફના તમામ  રેલવે સ્ટેશનમાં આ અંગેનો મેસેજ મોકલાવ્યો હતો.

વલસાડ સુધી  પહોંચેલા વિદ્યાર્થીને ઘર છોડીને આવવાની ભૂલ અંગે ભાન થતા વડોદરા તરફ આવતી ટ્રેનમાં તે બેસી ગયો હતો.સુરત સ્ટેશન પરથી તેણે એક પેસેન્જરના મોબાઇલ ફોનથી પિતા સાથે વાત કરી હતી.પુત્રનો કોલ આવતા પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.રાતે બે વાગ્યે વિદ્યાર્થી પરત વડોદરા આવ્યો હતો.