ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હવે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર સાથે લેવાશે

સંચાલન માટે ટેકનોલોજિકલ ઇન્ટરવેશન વિચારાશે
રાજ્યના યુવાનોને પૂરતો ન્યાય મળે અને નવી સિસ્ટમ કાર્યરત થાય ત્યાં સુધી બિન સચિવાલય સેવા કારકુનની પરીક્ષા રદ કરવામાં આવી છે : એ.કે. રાકેશ
ગાંધીનગર : ગુજરાત સરકારમાં કર્મચારીઓની ભરતીમાં લેવાનારી પરીક્ષાઓની પદ્ધતિમાં મોટો બદલાવ આવી રહ્યો હોવાથી ગૌણ સેવા મંડળ દ્વારા લેવાનારી પરીક્ષા રદ કરવામાં આવી હોવાનું કારણ આપવામાં આવે છે. રાજ્ય સરકાર ભરતીની પરીક્ષા હવે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર સાથે લેવા માગે છે.
ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી બિન સચિવાલય સેવા કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા રદ કરવાના પાછળનું કારણ સમજાવતાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્યસચિવ એકે રાકેશ જણાવે છે કે પરીક્ષાની પદ્ધતિના બદલાવ અને તેની વહીવટી પ્રક્રિયા માટે વધુ સમયની જરૂરિતાય છે તેથી નવી પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરાશે.
તેમણે મિડીયા સાથેના ચર્ચામાં કહ્યું કે મંડળ દ્વારા લેવામાં આવનારી પરીક્ષામાં પાદશતા જોવાશે. એટલું જ નહીં રાજ્યના યુવાનોને પુરતો ન્યાય મળે તે હેતુથી પરીક્ષા સંચાલનને લગતી નવી પ્રોસિઝરનું આયોજન કરવાનું થાય છે. પરીક્ષા સંચાલન બદલવા માટે તારીખમાં બદલાવ જરૂરી હતો તેથી 13મી ફેબ્રૂઆરીએ લેવાનારી પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.
આ ઉચ્ચ અધિકારી અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેને કહ્યું હતું કે મંડળના ચેરમેનને ચોક્કસ પ્રકારના કાર્યો અને ફરજો બજાવવાની હોય છે. આ કાર્યો અને ફરજોને યોગ્ય રીતે સમજવા માટે તેમજ તેના યથાર્થ પાલન માટે પણ ચોક્કસ સમયાવકાશ જરૂરી જણાય છે.
આ પરીક્ષાઓમાં જરૂરી ગુપ્તતા અને પારદર્શિતાને પણ મહત્વ આપવાનું છે. આ ઉપરાંત અન્ય ભરતી સંસ્થાઓ દ્વારા અનુસરવામાં આવતી પરીક્ષા સંચાલનને લગતી સિસ્ટમનો પણ ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ મંડળ દ્વારા લેવામાં આવનારી પરીક્ષાના સંચાલન માટે ટેકનોલોજીકલ ઇન્ટરવેશન પણ વિચારવામાં આવી રહ્યાં છે જેના માટે થોડા વધુ સમયની આવશ્યકતા છે.
ઉલ્લેખનીય છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ લેવાયેલી પરીક્ષાના પેપર લીક થઇ જતાં મંડળના ચેરમેન આસિત વોરાનું રાજીનામું લઇ લેવામાં આવ્યું છે. પેપર લીક કૌભાંડના પડઘા રાજ્યભરના યુવાનોમાં પડયા હતા. છેવટે સરકારે જીએડીના અધિક મુખ્યસચિવ એકે રાકેશને આ મંડળના ચેરમેનનો વધારાનો હવાલો આપ્યો છે.




