Gujarat

એપ્રિલ -મે મહિનામાં લેવાયેલી પરીક્ષાઓની કામગીરીનું મહેનાણું હજી ચૂકવાયું નથી

By GS TEAM
29 Oct 20251 min read
એપ્રિલ -મે મહિનામાં લેવાયેલી પરીક્ષાઓની કામગીરીનું મહેનાણું હજી ચૂકવાયું નથી

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં એપ્રિલ- મે મહિનામાં લેવાયેલી એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓમાં ઉત્તરવહીઓ તપાસવાની તેમજ સુપરવિઝનની કામગીરી કરનારા અધ્યાપકો અને કર્મચારીઓને હજી સુધી તેનું મહેનતાણું નહીં ચૂકવાયું હોવાની જાણકારી સામે આવી છે.

યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના ૧૦૦૦ જેટલા અધ્યાપકો અને કર્મચારીઓ મહેનતાણાથી વંચિત છે અને હવે પહેલા સેમેસ્ટરની એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓ લેવાનો સમય પણ આવી ગયો છે.

સૂત્રોનું કહેવું છે કે, પરીક્ષાની કામગીરીના મહેનતાણામાં વધારો કરાયો છે.પહેલા અધ્યાપકોને એક ઉત્તરવહી તપાસવાના ૬ રુપિયા મળતા હતા તે વધારીને નવ રુપિયા કરવામાં આવ્યા છે તો સુપરવિઝન કરવા માટેની રકમ ૧૫૦ રુપિયાથી વધારીને ૨૦૦ રુપિયા કરવામાં આવી છે.

આ રકમ પ્રમાણે કોમ્પ્યુટર સિસ્ટમમાં જરુરી ફેરફાર કરવાના બાકી હોવાથી મહેનતાણાના બિલો બનવામાં વિલંબ થયો હોવાથી અધ્યાપકો અને કર્મચારીઓને મહેનતાણું  આપવાનું બાકી છે.આગામી દિવસોમાં તેમને આ રકમ મળી જશે.