Gujarat

અયોધ્યાના ચુકાદાને લઈ બાવીસથી વધુ કર્મીને એકઝકયુટીવ મેજીસ્ટ્રેટના ઓર્ડર

By GS Team
9 Nov 20192 mins read
This article was originally published on 9 Nov 2019
અયોધ્યાના ચુકાદાને લઈ બાવીસથી વધુ કર્મીને એકઝકયુટીવ મેજીસ્ટ્રેટના ઓર્ડર
ભાવનગર, તા. 09 નવેમ્બર 2019, શનિવાર

અયોધ્યાના મામલે શનિવારે કોર્ટે ચુકાદો આપવાની હતી અને આ સમાચાર ગઈકાલે શુક્રવારે વાયુવેગે લોકોમાં ફરી વળ્યા હતાં. આ ચુકાદાના પગલે કોઈ અનીચ્છીનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે માટે ગઈકાલે શુક્રવારે ભાવનગરના જિલ્લા કલેકટરે રરથી વધુ કર્મચારીઓને એકઝકયુટીવ મેજીસ્ટ્રેટની સત્તા આપી હતી અને શનિવારે કામગીરી કરવા જણાવ્યુ હતું.

ભાવનગર શહેર અને જિલ્લામાં અયોધ્યાનો ચુકાદો આવતીકાલે શનિવારે સવારે આવશે તેવા સમાચાર ફરી વળ્યા હતા તેથી સરકારી તંત્ર એલર્ટ થઈ ગયુ હતું. કેટલાક ખાસ દિવસે જિલ્લા કલેકટર કર્મચારીઓને એકઝકયુટીવ મેજીસ્ટ્રેટની સત્તા આપતા હોય છે.

અયોધ્યાનો ચુકાદો કોર્ટ શુ આપશે? તેને લઈ લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી પરંતુ ચુકાદા બાદ શહેર અને જિલ્લામાં કોઈ અનીચ્છીનીય ઘટના ન બને તે માટે સરકારી તંત્રએ સાવચેતીના પગલા લેવાના શરૂ કર્યા હતા, જેના ભાગરૂપે ગઈકાલે શુક્રવારે 22થી વધુ કર્મચારીઓને ભાવનગરના જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ એકઝકયુટીવ મેજીસ્ટ્રેટની સત્તા એક દિવસ માટે આપી હતી.

આજે શનિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં એકઝકયુટીવ મેજીસ્ટ્રેટની સત્તા સાથે ઘણા કર્મચારીઓએ કામગીરી કરી હતી પરંતુ કોઈ ખરાબ બન્યો ન હતો તેથી કર્મચારીઓને રાહત થઈ હતી. આખા દિવસ દરમિયાન કર્મચારીઓએ એકઝકયુટીવ મેજીસ્ટ્રેટની કામગીરી કરી અને ઉચ્ચ અધિકારીઓને રીપોર્ટીંગ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં જગન્નાથજીની રથયાત્રા દરમિયાન પણ જિલ્લા કલેકટર દ્વારા કેટલાક કર્મચારીઓને એકઝકયુટીવ મેજીસ્ટ્રેટની સત્તા આપવામાં આવતી હોય છે.