નકલી દસ્તાવેજ આધારે વિઝા મેળવી ઓસ્ટ્રેલિયા પહોચેલો યુવક ડિપોર્ટ

અમદાવાદ,બુધવાર
વિદેશ જઇ કમાણી કરવાની ઘેલછા નિકોલના યુવકને ભારે પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં યુવકે યુનિવર્સિટીના સ્થાપનાના બે વર્ષ પહેલાના નકલી શૈક્ષણિક દસ્તાવેજો રજૂ કરીને વિઝા મેળવ્યા હતા જેના આધારે ઓસ્ટ્રેલિયામાં દોઢ વર્ષ રોકાયો હતો જો કે ફરીથી ત્યાં જતા ઇમિગ્રેશન વખતે પકડાઇ જતાં તેને ડિપોર્ટ કરાયો હતો.
નિકોલના યુવકે યુનિવર્સિટીની સ્થાપનાના બે વર્ષ પહેલાની માર્કશીટ અને સર્ટીફિકેટ બનાવ્યા હતા
નિકોલમાં ડી માર્ટ સામે અક્ષરધામ રેસિડેન્સી પાસે રહેતા યુવક સામે નિકોલ પોલીસે ગુનો નોંધ્યો છે કે યુવકે ખેરવા ખાતે આવેલી ગણપત યુનિવર્સિટીની ૨૦૦૩માં કમ્પ્યુટર સાયન્સના અભ્યાસની નકલી માર્કશીટ તથા પ્રમાણપત્ર બનાવ્યા હતા અને તેના આધારે ઓસ્ટ્રેલિયા દેશના વિઝા મેળવ્યા હતા. આ વિઝા ઉપર તા.૨૮ માર્ચ ૨૦૨૪માં ઓસ્ટ્રોલિયા દેશમાં પ્રવેશ મેળવીને દોઢ વર્ષ સુધી ત્યાં રોકાયો હતો.
તાજેતરમાં ફરીથી બીજી વખત પ્રવેશ મેળવતા ઓસ્ટ્રેલિયા એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન વખતે પકડાઇ ગયો હતો. દસ્તાવેજ ચકાસતા યુનિવર્સિટીના સ્થાપનાના બે વર્ષ પહેલાના નકલી શૈક્ષણિક દસ્તાવેજો રજૂ કરીને વિઝા મેળવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને જેને ડિપોર્ટ કરીને દિલ્હી ખાતે મોકલી આપતાં પોલીસે તેની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધીને નિકોલ પોલીસને સુપરત કર્યો હતો.









