Ahmedabad

અમદાવાદ: રથયાત્રા પહેલા દરિયાપુરમાં જૂથ અથડામણ, ગઈકાલે રાત્રે સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો, સ્થિતિ કાબુમાં

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે દરિયાપુરના દાંડીયાવાડમાં જૂની અદાવતે બે યુવકો વચ્ચેની તકરારે મોટું સ્વરૂપ ધારણ કર્યું. જેમાં બે જૂથ વચ્ચે ઝપાઝપી થતા એક મહિલાને ઈજા થઈ હતી. આ અથડામણમાં વાહનોને પણ નુકસાન થયું. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રથયાત્રા પહેલા દરિયાપુરમાં જૂથ અથડામણ, ગઈકાલે રાત્રે સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો, સ્થિતિ કાબુમાં

Ahmedabad News: અમદાવાદમાં આગામી રથયાત્રા પહેલાં દરિયાપુર વિસ્તારમાં દાંડીયાવાડના નાકા નજીક બે યુવકો વચ્ચે જૂની અદાવતમાં થયેલી સામાન્ય તકરારે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લોકોની સમજાવટથી મામલો થોડીવાર માટે શાંત પડ્યો હતો, પરંતુ બાદમાં બંને પરિવારો આમને-સામને આવી જતાં વાતાવરણ ફરી ગરમાયું હતું. આ વિવાદ એટલો વકર્યો કે મહિલાઓ વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી. તેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી

મળતી માહિતી અનુસાર, ગઈકાલે દરિયાપુર બે યુવકો વચ્ચે થયેલી તકરાર બાદ દંડા અને અન્ય હથિયારો સાથે બે જૂથ અથડામણ થઈ હતી. જેમાં કેટલાક તત્ત્વોએ વાહનોને નિશાન બનાવી તોડફોડ કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના સંદર્ભે બંને જૂથો દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એકબીજા સામે હથિયારો સાથે જીવલેણ હુમલો કરવા અંગેની સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી છે. પોલીસે બંને પક્ષોની રજૂઆતના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પથ્થરમારાના વાઈરલ વીડિયોથી એફઆઈઆર પર ઉઠ્યા સવાલો

આ સમગ્ર ઘટના અંગે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોએ નવો વિવાદ સર્જ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે લોકો એકબીજા પર પથ્થરમારો કરી રહ્યા છે અને નાસભાગ મચી છે. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસે નોંધેલી એફઆઈઆરમાં પથ્થરમારાની ઘટનાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ વિસંગતતાને પગલે સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં અનેક સવાલો ઊઠી રહ્યા છે અને વાઈરલ વીડિયોની તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે.

બીજી તરફ, પોલીસે સ્પષ્ટતા કરી છે કે બંને પક્ષની ફરિયાદોની સાથે સાથે આ વાઈરલ વીડિયોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને તપાસના અંતે હકીકત મુજબ દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે.