Jamnagar Liquor Raid : જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલા એક ખંઢેર મકાનમાં સંતાડવામાં આવેલો ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પોલીસે પકડી પાડ્યો છે, અને દારૂનો જથ્થો સંતાડનાર આરોપી ભાગી છૂટયો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે મોમાઈ નગર શેરી નંબર ત્રણમાં રહેતો મયુર સિંહ ભરતસિંહ જેઠવા નામના શખ્સ દ્વારા ગાંધીનગર વિસ્તારમાં આવેલા એક ખંઢેર મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે, જે બાતમીના આધારે સીટી બી. ડિવિઝનની પોલીસ ટીમે ગઈ રાત્રે દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન ખંઢેર મકાનમાંથી 763 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા 2.45 લાખનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લીધો છે, જ્યારે આ દારૂ સંતાડનાર મયુરસિંહ ભરતસિંહ જેઠવાને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાં દીગવિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉમલ મંગે નામના શખ્સના મકાન પર પોલીસે દરોડો પાડ્યો હતો, જે દરોડા દરમિયાન પોતે મકાનમાં હાજર ન હતો, પરંતુ તેના મકાનમાંથી 14 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કરી લીધો છે અને મકાન માલિક આરોપી અશોક મીરચીને ફરાર જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે.


