Get The App

જામનગરના દિગ્જામ માર્ગે રેલવેની 18 હજાર ચો.મી.જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરાયા

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના દિગ્જામ માર્ગે રેલવેની 18 હજાર ચો.મી.જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરાયા 1 - image

જામનગરના દિગ્જામ માર્ગે ઓવરબ્રીજ નીચે રેલવે ટ્રેકની નજીકના 3 કીલોમીટર સુધી બાવરીવાસ સહીતના વિસ્તારમાં રેલવે ની અંદાજે 30 કરોડની જમીન પર ખડકાયેલા કાચા પાકા દબાણો દૂર કરાયા છે. બે દિવસ દરમિયાન 15 જેસીબી સહીતની મશીનરી દ્રારા 75 પાકા અને 119 ઝૂંપડા દૂર કરી ગઈકાલે 60 હજાર ફુટથી વધુ જગ્યા ખુલ્લી કરાવામાં આવી છે.            

રાજકોટ-કાનાલૂસ ડબલ ટ્રેકની કામગીરી અંતર્ગત જામનગર- લાખાબાવળ ડબલ ટ્રેક બનાવવા ગેરકાયદે બાંધકામ પર છેલ્લા બે દિવસ દરમિયાન રેલવેનું બુલડોઝર ફરી વળ્યું હતું. આરપીએફ અને પોલીસના જંગી કાફલા સાથે રેલવેની જમીનના દબાણો દૂર  કરવામાં આવ્યા હતાં.

પશ્ચિમ રેલવે વિભાગ દ્રારા -રાજકોટ-કાનાલૂસ વચ્ચે રેલવેના ડબલ ટ્રેકની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત જામનગર-લાખાબાવળ વચ્ચે પણ ડબલ ટ્રેકની તથા વીજળીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારે આ કામગીરીમાં નડતરરૂપ અને રેલવેની જમીનમાં ગેરકાયદે રીતે કરવામાં આવેલા દબાણો દૂર કરવા માટે રેલવે વિભાગ દ્રારા પરમદીને અને ત્યાર પછી ગઈકાલે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત શુક્રવારે, અને હનિવારે રેલવે વિભાગ દ્વારા જામનગરમાં દિગ્જામ ઓવરબ્રીજ નીચે આવેલા હયાત રેલવે ટ્રેકની આજુબાજુ માં ૩ કીલોમીટર સુધીના બાવરીવાસ સહીતના વિસ્તારોમાં રેલવેની જમીનમાં ખડકાયેલા દબાણો દૂર કરવા મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. બન્ને દિવસે સવાર થી સાંજ સુધી ચાલેલી આ કામગીરી અંતર્ગત રેલવે વિભાગ દ્વારા 15 જેસીબી સહીતની મશીનરી કામે લગાડીને 75 પાકા અને 119 કાચા એટલે કે ઝૂંપડાના દબાણ દૂર કરવામાં આવ્યા હતાં.

મેગા ડીમોલીશનની કામગીરીના અંતે રેલવેની 18450 ચોરસ મીટર એટલે કે 60 હજાર ફુટથી વધુ રેલવેની  જમીન ખુલ્લી કરાવાઈ છે. તેની અંદાજીત કિંમત રૂા.29.52 કરોડ થાય છે. આ ડીમોલીશનની કામગીરીમાં 50 રેલવે કર્મચારી જેમાં 4 એન્જિનિયર, 17 આરપીએફના જવાનો સહીત રેલવેના અન્ય કર્મચારીઓ તથા ૫ મેડીકલ કર્મચારી અને મહાનગરપાલીકાના 5 કર્મચારી પણ જોડાયા હતાં. આટલું જ નહીં પોલીસના 300 અધીકારીઓ અને કર્મચારીઓના કાફલાએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. આ કામગીરી બે દીવસમાં પૂર્ણ કરવામાં આવી હતી. રેલવે વિભાગે ઘણા લાંબા સમય બાદ શહેરમાં પોતાની જમીન પર ખડકાયેલા દબાણો દૂર કરવા મેગા ડીમોલીશનની કામગીરી હાથ ધરી છે. ત્યારે આગાર્મી દીવસોમાં ડબલ ટ્રેકની કામગીરીના કારણે રેલવેની જમીન પર અન્યત્ર ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવી શકે છે.