Gujarat

દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં વેપારીઓ કર્મચારીઓ વચ્ચે રકઝક

By GS TEAM
23 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માર્ગો પર નડતરરૂપ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન કેટલીક જગ્યાએ વેપારીઓ અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં વેપારીઓ કર્મચારીઓ વચ્ચે રકઝક

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માર્ગો પર નડતરરૂપ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન કેટલીક જગ્યાએ વેપારીઓ અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

ગઈકાલે દબાણ શાખાની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ ચલાવી હતી. ખંડેરાવ માર્કેટના ફૂલ બજાર વિસ્તારમાં માર્ગ પર રાખવામાં આવેલા ફૂલના પોટલા અને કેરેટ જપ્ત કરવાની કાર્યવાહી દરમિયાન વેપારીઓ અને મ્યુનિસિપલ કર્મચારીઓ વચ્ચે રકઝક સર્જાઈ હતી. વેપારીઓએ કાર્યવાહીને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત રેલવે સ્ટેશન નજીક આવેલા કડક બજાર વિસ્તારમાં માર્ગ પર ઉભા કરાયેલા પાથરણાં, શેડ અને અન્ય દબાણો દૂર કરવામાં આવતા પથારાધારકોએ વિરોધ નોંધાવ્યો હતો. દબાણ શાખાની કામગીરી સામે નારાજગી દર્શાવતા કેટલાક વેપારીઓએ હોબાળો પણ મચાવ્યો હતો.

બે ટ્રક સામાન અને ભંગાર મારૂતિવાન પણ જપ્ત

મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમોએ વોર્ડ નંબર-18 અને વોર્ડ નંબર-14 વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. માંજલપુરના અલવાનાકા વિસ્તારમાં માર્ગ પર નડતરરૂપ લારી-ગલ્લા અને પરચુરણના સામાન સામે કાર્યવાહી કરતાં બે ટ્રક ભરી સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, વોર્ડ નંબર-14ના દાંડિયા બજાર વિસ્તાર ખાતે જંબુબેટ નજીક માર્ગ પર પડેલી ભંગાર હાલતમાં રહેલી મારૂતિવાન કબજે કરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી બિનઉપયોગી અને ભંગાર વાહનો રસ્તા પર પડ્યા રહેતા ટ્રાફિક તેમજ અવરજવરમાં અડચણો ઉભી થતી હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું છે.