Gujarat

રોડ ક્રોસ કરતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું વાહનના ટાયર નીચે કચડા મોત

By GS TEAM
14 Nov 20251 min read
રોડ ક્રોસ કરતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું વાહનના ટાયર નીચે કચડા મોત

અમદાવાદ, શુક્રવાર

ખોખરામાં હિટ એન્ડ રનના વધુ એક બનાવ વૃદ્ધે જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ખોખરામાં અનુંપમ ચાર રસ્તા પાસે મધરાતે રોડ ક્રોસ કરતા વૃદ્ધ સિક્યુરિટીગાર્ડને વાહન ચાલકે ટક્કર મારી હતી. તેમના માથા પરથી વાહનનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત થયું હતું. આ  બનાવ  ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અનુપમ ચાર રસ્તા પાસે મધરાતે માતેલા સાંઢની જેમ આવી રહેલા  વાહન ચાલકે  ટક્કર મારી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી વાહન સાથે નાસી ગયો ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને  તપાસ શરુ કરી

ખોખરામાં રહેતા અને ખોખરા  ખાતે માર્કેટમાં સિક્યુરિટીમાં નોકરી કરતા વૃદ્ધ ગઇકાલે રાતના સમયે તે નોકરી પર ગયા હતા અને મોડીરાતે તેઓ ચા-પાણી કરવા ગ્રીન માર્કેટની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા.

આ સમયે માતેલા સાંઢની જેમ આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધનેે ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતા. જેના કારણે વાહનનું ટાયર તેમના માથા પરથી ફરી વળતા માથું ચગદાઇ ગયું અને કાન તથા નાકમાંથી લોહી નીકળતું હતું. પગે પણ ગંભીર ઇજા થવાના કારણે  સ્થળ ઉપર જ મોત થયું હતું. આ ઘટના અંગે મૃતકના પુત્રએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ કરતા ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે.