Gujarat

શહેરને વીજ વાયર ફ્રી કરવા 230વોટની વીજ લાઈનોનું 2400 કિમીનું નેટવર્ક અન્ડરગ્રાઉન્ડ કરાશે

By GS TEAM
13 Jun 20261 min read
શહેરને વીજ વાયર ફ્રી કરવા 230વોટની વીજ લાઈનોનું 2400 કિમીનું નેટવર્ક અન્ડરગ્રાઉન્ડ કરાશે

વડોદરાઃ રાજ્ય સરકારે તાજેતરમાં જ ગુજરાતના તમામ શહેરોને વીજ વાયર ફ્રી કરવાની જાહેરાત કરી હતી.જેના ભાગરુપે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પણ આગામી બે વર્ષમાં ૧૫૦૦ કરોડ રુપિયાના ખર્ચે શહેરના તમામ વીજ વાયરો અન્ડરગ્રાઉન્ડ કરવાની કવાયત હાથ ધરાઈ છે.

વીજ કંપનીના સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ પ્રોજેકટ માટે ટેન્ડર મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.અત્યારે વડોદરા શહેરમાં ૧૧ કેવીની લાઈનોનું ૧૭૦૦  કિલોમીટરનું નેટવર્ક અન્ડરગ્રાઉન્ડ થઈ ચૂકયું છે અને ૩૦૦ કિલોમીટર નેટવર્ક અન્ડરગ્રાઉન્ડ કરવાનું કામ ચાલી રહ્યું છે.

૧૧ કેવીની વીજ લાઈનો  ભારે દબાણવાળી વીજ લાઈનો ગણાય છે.જે ટ્રાન્સફોર્મર સાથે જોડવામાં આવે છે અને ટ્રાન્સફોર્મરમાંથી સામાન્ય રીતે ૨૩૦ વોટની હળવી દબાણવાળી વીજ લાઈનો થકી ઘર સુધી વીજળી પહોંચાડવામાં આવે છે.૨૩૦ વોટની વીજ લાઈનોનું નેટવર્ક  અત્યારે ઓવરહેડ છે. આ માટે ટ્રાન્સફોર્મરથી લોકોના ઘરો સુધી વીજ થાંભલા ઉભા કરવામાં આવ્યા છે.હવે શહેરને વીજ વાયર ફ્રી બનાવવાના ભાગરુપે આ લાઈનોનું ૨૪૦૦ કિલોમીટરનું નેટવર્ક પણ અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે.

આ કામગીરીમાં મોટાભાગે હોરિઝોન્ટલ  ડ્રિલિંગ ટેકનિકનો ઉપયોગ કરીને વીજ વાયરો ખાડા ખોદયા વગર જ અન્ડરગ્રાઉન્ડ પસાર કરાશે પણ જયાં જરુર પડશે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી ખાડા ખોદીને પણ વાયરોને અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે.