Get The App

તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરામાં કેદ

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરામાં કેદ 1 - image

વડોદરાઃ શહેરના સમા વિસ્તારની સંતોષી નગર સોસાયટીમાં આજે બપોરે એક મકાનમાં ઘૂસી ગયેલા બે લૂંટારાઓએ એકલવાયા વૃધ્ધ દંપતીને ચાકુની અણીએ  બંધક બનાવી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હોવાના બનેલા બનાવને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભય ફેલાયો છે.

સંતોષી નગરમાં રહેતા ૮૨ વર્ષીય ટીપી રાધાકૃષ્ણન અને તેમના ૭૩ વર્ષીય પત્ની આજે બપોરે ઘરમાં હતા તે દરમિયાન એક યુવક આવ્યો હતો અને તુમને વોટિંગ કીયા યા નહિ...તેમ પૂછ્યંુ હતું.જેથી વૃધ્ધે અમારું વોટર કાર્ડ સુધારીને આવ્યું નથી તેવો જવાબ આપ્યો હતો.આ સાથે જ લૂંટારાએ બીજા સાગરીતને બોલાવ્યો હતો અને બંને જણા વૃધ્ધને ધક્કો મારીને અંદર ઘૂસી ગયા હતા.

એક લૂંટારાએ વૃધ્ધનું નાક દબાવી દઇ ગળા પર ચાકુ મૂકી દીધું હતું અને અંદર ઢસડી જઇ જે કાંઇ હોય તે આપી દે નહિંતર મારી નાંખીશ ...તેમ કહ્યું હતું.જેથી વૃધ્ધે મારકે ક્યા મિલેગા..તેવો જવાબ આપ્યો હતો. આ વખતે બીજા લૂંટારાએ તિજોરી અને સામાન ફેંદવા માંડયો હતો.જે દરમિયાન વૃધ્ધના પત્ની ટોઇલેટમાંથી બહાર આવતાં તેમને પણ મોંઢામાં ડૂચો મારીને ધમકાવ્યા હતા.

તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરામાં કેદ 2 - imageપ્રાથમિક વિગતો મુજબ,લૂંટારાઓ વીંટી, ચેઇન,બંગડી,ચાંદીના સિક્કા ઉપરાંત મોબાઇલ,અને રોકડ મળી અંદાજે રૃ.એક લાખ ઉપરાંતની મત્તા લૂંટી ફરાર થઇ ગયા હતા.ફતેગંજ પોલીસે બનાવ અંગે મોડીરાત્રે ગુનો નોંધવા તજવીજ કરી હતી.

વૃધ્ધ દંપતીને મદદ ના મળે તે માટે મોબાઇલ લૂંટી દરવાજો બંધ કરી ગયા

વૃધ્ધ દંપતીને તાત્કાલિક મદદ ના મળે તે હેતુથી બંને લૂંટારા તેમનો મોબાઇલ લૂંટી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ,બંને લૂંટારા જે રીતે ઘરમાં દાખલ થયા અને ભાગ્યા ત્યાં સુધીની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.લૂંટારાઓએ દંપતીને બંધક બનાવ્યા બાદ તેમને તાત્કાલિક મદદ ના મળે તે માટે મોબાઇલ આચકી લીધો હતો.

ત્યારબાદ તેઓ બહારથી દરવાજો પણ બંધ કરી ગયા હતા.જેથી દંપતીએ બારી ખખડાવી પાછળ રહેતી મહિલા પાસે મદદ માગતા થોડી જ વારમાં રહીશો ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.

ચોર-લૂંટારા પેંધા પડયા હોવાથી સંતોષી નગરમાં પોલીસ પોઇન્ટ મૂકવા માગ

સંતોષીનગર સોસાયટીના રહીશોએ કહ્યંુ હતું કે,અમારા વિસ્તારમાં ચોર અને લૂંટારા પેંધા પડી ગયા છે.વૃધ્ધ દંપતીના પાસેના ઘરમાં અગાઉ પણ ચોરીનો બનાવ બન્યો હતો.અમારી સોસાયટીમાં અગાઉ ગણપતિ ઉત્સવ વખતે પણ બે મકાનના તાળા તૂટયા હતા.જ્યારે સામે મહાદેવનગરમાં પણ ગેટ કાપી ગયા હતા.આ ઉપરાંત સોસાયટીના મનિષ એપાર્ટમેન્ટના બે ફ્લેટમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો.જેથી અમે પોલીસ પોઇન્ટ મૂકવા માટે ફતેગંજ પોલીસ સમક્ષ માગણી કરતાં તેમણે તૈયારી પણ બતાવી હતી.પરંતુ આજ સુધી પોઇન્ટ મુકાયો નથી.