નકલી પોલીસે ડિજિટલ એરેસ્ટ કરી ઘોડાસરની વૃદ્ધા પાસેથી ૪ લાખ પડાવ્યા

અમદાવાદ, સોમવાર
ડિજિટલ માફિયા સિનિયર સિટિઝનને ટાર્ગટ કરીને ડરાવી ધમકાવીને તેમની પાસેથી લાખો રૃપિયા પડાવી રહ્યા છે. સાયબર ગઠિયાઓએ તેમના કરતૂત ચાલું રાખ્યા છે. સરકાર મોટી મોટી વાતો કરે છે કે સાયબરફ્રોડ અટકાવવા અલગ યુનિટ બનાવવાનું નક્કી કર્યુ છે બીજીતરફ ગાંધીનગરમાં વૃદ્ધા પાસેથી ડિજિટલ એરેસ્ટ કરીને કરોડો રૃપિયા પડાવ્યા હતા તે હજુ ભુલાયું નથી ત્યાં ઘોડાસરમાં વૃદ્ધાને મુંબઇ પોલીસ અધિકારી હોવાનું કહીને વિડિયો કોલ કરીને મની લોન્ડરિંગ કેસ થયો છે. ઇન્વેસ્ટીગેશન કરવું પડશે કહીને ચાલું કોલમાં બેન્કમાં મોકલીને રૃપિયા ચાર લાખ ઉપડાવીને ટ્રાન્સફર કરાવ્યા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિકારી હોવાનું કહી દોઢ દિવસ ડિજિટલ એરેસ્ટ કરીઃ ધરપકડ કરવી પડશે અને છ મહિનાની સજાનો ડર બતાવ્યો
ઘોડાસરમાં રહેતા વૃદ્ધાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં વિજયપાલ નામની અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે, પતિના અવસાન બાદ વૃદ્ધા એકલવાયું જીવન જીવી રહ્યા છે. તા. ૫ ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો અને પોતે પોલીસ અધિકારીની ઓળખ આપીને બેન્ક એકાઉન્ટમાં કેટલા રૃપિયા પડયા છે તેમ પૂછતા વૃદ્ધાએ રૃા.૮૦૦ પડયા છે કહેતા દાગીના વિશે પૂછતા વૃદ્ધાએ ના પાડી હતી જો કે રૃા. ૪ લાખની એફડી પડી છે તેમ કહ્યું હતું.
થોડીવારમાં સાયબર ગઠિયાએ પોલીસના ડ્રેસમાં વૃદ્ધા વિડિયો કોલ કરીને મુંબઇ પોલીસ અધિકારી વિજયપાલ હોવાની ઓળખ આપીને તમારા એકાઉન્ટમાં એક કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે તમારી સામે મની લોન્ડરીંગનો કેસ થયો છે તેમાં તમને છ મહિનાની સજા થઇ શકે છે કહીને ડરાવીને ડિજિટલ એરેસ્ટ કરવા પડશે કહીને પરતું તમે ઉમર લાયક છો માટે ઘરે હાજર રહીને વિડિયો કોલમાં ઇન્વેસ્ટીગેશન કરીશું. બીજા દિવસે તમારે બેન્કમાંથી રૃપિયા ઉપાડીને ઇન્વેસ્ટીગેશન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે તેમ કહ્યું હતું જેથી વૃદ્ધા ચાલું વિડિયો કોલમાં બેન્કમાં જઇને રૃા. ૪ લાખની એફડી તોડીને રૃપિયા ઉપાડીને આપેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સાયબર ગઠિયાએ ત્રણ કલાકમાં રૃપિયા પરત મળી જશે તેમ કહ્યા બાદ બેન્કમાં પરત ના આવતા ફ્રોડ થયાની જાણ થઇ હતી.








